પ્રેમમાં નિષ્ફળ જતાં હતાશ થયેલો પાકિસ્તાની યુવક સરહદ પર પહોંચ્યો, ઠાર થવાની આશાએ

શ્રીનગર – પ્રેમિકા સાથે લગ્ન કરવા ન મળતાં હતાશ થયેલા એક પાકિસ્તાની યુવકે પોતાની જિંદગીનો અંત લાવી દેવાનો નિર્ણય લીધો હતો. એ માટે તે ભારતની સરહદ પર પહોંચી ગયો હતો, એવી આશાએ કે ભારતના સૈનિકો એને ત્રાસવાદી ગણીને ઠાર કરી દેશે. પરંતુ એને બદલે 32 વર્ષીય મોહમ્મદ આસીફને ભારતની જેલના સળીયા પાછળ ભરાઈ જવાનો વારો આવ્યો છે. સીમા સુરક્ષા દળના જવાનોએ એને ઠાર મારવાને બદલે એને પકડી લીધો છે.

આસીફ સરહદ પર પકડાયા બાદ ભારતીય સીમા સુરક્ષા દળના સૈનિકોએ એને સ્થાનિક પોલીસને હવાલે કરી દીધો હતો.

આસીફે સૈનિકોને જણાવ્યું હતું કે પોતે ચાલતો ચાલતો ભારતીય સરહદ પર પહોંચ્યો હતો. એની એવી ધારણા હતી કે એને જોઈને અને ત્રાસવાદી સમજીને ભારતીય સૈનિકો એને ગોળી મારી દેશે એ સાથે જ પોતાની નિરાશ જિંદગીનો અંત આવી જશે.

આસીફે પહેલાં તો લટકી જઈને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું, પણ રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી વિચાર બદલી નાખ્યો હતો. એ પાકિસ્તાનના કાસુર જિલ્લાના જલ્લોકી ગામનો વતની છે. એ તેના મોટા ભાઈની સાળીનાં પ્રેમમાં પડ્યો હતો.

પણ લગ્ન કરવાની બંનેનાં પરિવારે મંજૂરી ન આપતાં અને યુવતીનાં લગ્ન કોઈ અન્ય પુરુષ સાથે કરી દેવાતાં આસીફ હતાશ થઈ ગયો હતો.

આસીફ સદ્ધર પરિવારનો છે. એનો પરિવાર ગામમાં 25 એકર જમીનનો માલિક છે. આસીફે એસએસસી પરીક્ષા પાસ કરી છે.

આસીફ પર ભારતીય પાસપોર્ટ એક્ટ અને વિદેશીઓને લગતા કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ એ જેલમાં છે.