વર્લ્ડ-રેકોર્ડ: મોદીજીના જન્મદિવસે લાખથી-વધુ લોકોએ રક્તદાન કર્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ગઈ કાલે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ’નું આયોજન કર્યું છે જે એક પખવાડિયા સુધી ચાલશે. ગઈ કાલે એક જ દિવસમાં એક લાખથી વધારે લોકોએ સ્વૈચ્છિક મતદાન કર્યું હતું, જે આ પ્રકારનો એક વિશ્વ વિક્રમ બન્યો છે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ કહ્યું છે.

અગાઉનો વિશ્વ વિક્રમ 87,059 રક્તદાતાઓનો હતો, જે 2014ની 6 સપ્ટેમ્બરે ભારતમાં જ નોંધાયો હતો. એ રક્તદાન ઝુંબેશનું આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે કર્યું હતું. તે ઝુંબેશ ભારતના 300 શહેરોમાં 556 રક્તદાન શિબિરોમાં હાથ ધરવામાં આવી હતી.

ડો. માંડવિયાએ નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં શરૂ કરાયેલી શિબિરમાં જઈને રક્તદાન કર્યું હતું. એમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ રક્તદાન કરવા માટે ‘આરોગ્ય સેતુ’ એપ અથવા ‘ઈ-રક્તકોષ’ પોર્ટલ પર પોતાનું નામ નોંધાવે. આ ‘રક્તદાન અમૃત મહોત્સવ’ 1 ઓક્ટોબર સુધી ચાલશે, જે ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, કાયદાપ્રધાન કિરન રીજીજુ સહિતના અનેક કેન્દ્રીય પ્રધાનો તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ ગઈ કાલે રક્તદાન કર્યું હતું.

ડો. માંડવિયાએ ટ્વીટ મારફત લોકોને જણાવ્યું છે કે રક્તદાન એક ઉમદા સેવાકાર્ય છે, જે સેવા અને સહયોગની આપણી સમૃૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનો એક હિસ્સો છે. રક્તદાન કરનારાઓ રાષ્ટ્રીય સ્તરે રક્તની જરૂરિયાત પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય એટલું જ નહીં, પરંતુ સમાજ અને માનવતા પ્રતિ મોટી સેવા પણ બજાવે છે.

(તસવીર સૌજન્યઃ @mansukhmandviya)