પડોશી રાજ્ય છે ગુજરાત, પાકિસ્તાનનો હિસ્સો નથીઃ ફડણવીસ

મુંબઈઃ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના વેદાંત-ફોક્સકોન સેમી કંડક્ટર પ્રોજેક્ટને ટેકો આપતાં થઈ રહેલી ટીકાટિપ્પણીની વચ્ચે મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે પડોસી રાજ્ય પાકિસ્તાનનો ભાગ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહરાષ્ટ્રની ભૂતપૂર્વ મહા વિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં કોઈ પણ સબસિડી લેવા માટે 10 ટકા કમિશન આપવું પડતું હતું, એમ તેમણે કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું નામ દીધા વગર તેમણે પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ઠાકરે સરકારે રાજ્યમાં રિફાઇનરી જેવા મોટા પ્રોજેક્ટોનો વિરોધ કર્યો હતો. આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની તુલનાએ 10 વર્ષ આગળ જઈ શકત, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે જૂનના અંતમાં ઉપ મુખ્ય મંત્રી બનતાં જ તેમણે વ્યક્તિગત રીતે વેદાંતાના અધ્યક્ષ અનિલ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી અને મહારાષ્ટ્રે કંપની સામે ગુજરાતની બરોબર પ્રસ્તાવ મૂક્યો હતો, પણ ગુજરાતમાં સેમી કંડક્ટર એકમ સ્થાપવાનો  નિર્ણય અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો હતો.

જ્યારે મહા વિકાસ આઘાડી સત્તામાં હતી (નવેમ્બર, 2019થી જૂન 20222 સુધી) ત્યારે (સીધા મૂડીરોકાણ લાવવાને મામલે) મહારાષ્ટ્ર ગુજરાત કરતાં પાછળ હતું. આગામી બે વર્ષોમાં અમે મહારાષ્ટ્રને ગુજરાત કરતાં આગળ લઈ જઈશું, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંત પર બે પ્રોજેક્ટોને ગુમાવવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે માત્ર સરકારની નિષ્ફળતા અને અજ્ઞાનતાને કારણે મહારાષ્ટ્રે લાખો નોકરીઓ ગુમાવી છે.