PMની સ્પષ્ટતાઃ અમારી લડાઈ કશ્મીર માટે છે, કશ્મીરીઓ વિરુદ્ધ નથી, ટુકડાની ભાષા ન બોલો

ટોંક- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલાવામા હુમલા બાદ દેશના કેટલાક હિસ્સાઓમાં કશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચારો સંદર્ભે જણાવ્યું હતું કે દેશમાં આવું થવું જ ન જોઈએ. રાજસ્થાનના ટોંકમાં જાહેરસભાને સંબોધન કરતા મોદીએ કહ્યું કે આવી હરકતો ‘ભારત તેરે ટૂકડે’ કહેવાવાળાને જોમ પુરુ પાડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કશ્મીરના લોકો આતંકવાદના સૌથી મોટો શિકાર છે અને આગામી દિવસોમાં તેમની ગોળીના નિશાન બની રહ્યા છે. તેમણે કશ્મીરમાં આતંકીઓના નિશાન બની રહેલા આમ લોકોને પણ શહીદ ગણાવ્યા હતા.

પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે પુલાવામા હૂમલા પછી પડોશી દેશમાં હડકંપ મચી ગયો છે. મોદીએ કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશ અને લગભગ તમામ આતંરરાષ્ટ્રીય સંસ્થાઓ પુલાવામાં હૂમલાની વિરુધ્ધ એકસાથે થઈને ભારતની સાથે ઉભા છે. મોદીએ કહ્યું કે સરહદ પર ચોકી કરી રહેલા આપણાં સૈનિકો, મોદી સરકાર પર અને મા ભવાનીના આશીર્વાદ પર વિશ્વાસ રાખો. આ વખતે બધાનો હિસાબ થશે.

પીએમે કહ્યું કે અમારા સુરક્ષાદળોએ હૂમલાના 100 કલાકમાં જ તેના જવાબદારોના એક મોટા ગુનેગારને ત્યાં પહોંચી દીધો કે જ્યાં તેની જગ્યા હતી. દુનિયામાં શાંતિ ત્યારે સંભવ નથી, જ્યારે આતંકની ફેકટરી આમ ને આમ ચાલતી રહેશે. આતંકની ફેકટરી પર તાળા મારવાનું કામ મારા હિસ્સામાં આવ્યું છે, તો એમ જ સહી…

તેમણે વધુમાં કહ્યું હતું કે પુલાવામા હૂમલા પછી આપે જોયું હશે કે કેવી રીતે પાકિસ્તાન સાથે એક એક કરીને હિસાબ લેવાઈ રહ્યો છે. અમારી સરકારના નિર્ણયોથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાઈ ગયો છે. અલગાવવાદની ભાષા બોલનારાઓ પર કાર્યવાહી ઝડપી થઈ છે, અને આગળ પર ચાલુ રહેશે. આ નવી નીતિ અને નવી રીતીવાળું ભારત છે.

પીએમ મોદીએ દેશભરમાં કશ્મીરી વિર્દ્યાથીઓને સુરક્ષાનો વિશ્વાસ આપતાં કહ્યું કે સેનાને અમે ખુલ્લી છૂટ આપી દીધી છે. હું જોઈ રહ્યો છું કે સોશિયલ મીડિયામાં વીર રસનું પુર આવ્યું છે. હું આપને કહેવા માંગુ છું કે અમારી લડાઈ આતંકવાદની વિરુધ્ધની છે. અમારી લડાઈ કશ્મીર માટે છે. કશ્મીરીઓની વિરુધ્ધ નથી. કશ્મીરના બાળકોની સુરક્ષાની જવાબદારી અમારી છે. કશ્મીરના બચ્ચાબચ્ચા આતંકવાદીઓની વિરુધ્ધનો મત ધરાવે છે. આપણે તેમને સાથે રાખવાના છે. પીએમ મોદીએ જણાવ્યું કે અમરનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુંઓની દેખભાળ કરવાનું કામ કશ્મીરના લોકો કરે છે. અમરનાથ યાત્રાળુઓને જ્યારે ગોળી વાગે છે ત્યારે કશ્મીરના જ મુસલમાનભાઈઓ લોહી આપવા લાઈનો લગાવી દે છે.

 

પીએમ મોદીએ કહ્યું કે જો દેશમાં કશ્મીરોઓની વિરુધ્ધ કોઈપણ ઘટના થાય તો તે ખોટું છે. તેમાં ‘ભારતે તેરે ટૂકડે’ કહેનારાઓને જોમ મળે છે. હિન્દુસ્તાનના કોઈપણ ખુણામાં કશ્મીરના લાલની રક્ષા કરવાનું કામ મારા દેશના દરેક વ્યક્તિનું છે. હું કશ્મીરના ભાઈઓને કહેવા માંગુ છું કે 40 વર્ષથી આપ પણ આતંકવાદથી પીડિત છો.

પીએમ મોદી વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં નવી સરકાર બની, સ્વભાવિક છે કે મે પ્રોટોકોલ અનુસાર નવા પીએમને ફોન પર અભિનંદન આપ્યા હતા, ત્યારે મે તેમને કહ્યું હતું કે આપણે બહુ લડી લીધું આપણે… અને આ લડાઈથી પાકિસ્તાને કશુંય નથી મેળવ્યું. તમે ખેલની દુનિયાથી રાજનીતિમાં આવ્યા છો. આવો બન્ને દેશ મળીને ગરીબી વિરુધ્ધ લડીએ, ત્યારે તે સમયે નવા પીએમે કહ્યું હતું કે મોદીજી મે પઠાન કા બચ્ચા હું, સચ્ચા બોલતા હું, સચ્ચા કરતાં હું. આજે પાકિસ્તાનના પીએમને તેમના શબ્દોની કસોટી પર ખરા ઉતરવાની જરૂરિયાત છે.

પીએમ મોદીએ કહ્યું કે મને કેટલાક મુઠ્ઠીભર લોકો પર અફસોસ છે, જે ભારતમાં રહીને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. આ એ જ લોકો છે જે પાકિસ્તાનમાં જઈને કહી રહ્યા છે કે કંઈક કરો… પણ મોદીને હટાવો… આ એ જ લોકો છે કે મુંબઈ હૂમલા પછી આતંકવાદને જવાબ નથી આપી શક્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]