શહીદોની વંદના સાથે મોરારિબાપુની રામકથાનો પ્રારંભ, 150મી ગાંધીજયંતિ-કસ્તૂરબાની ભાવવંદના…

અમદાવાદ- ગાંધીજીની 150મી જન્મજયંતિ અને નવજીવન ટ્રસ્ટના 100 વર્ષ પૂર્ણ થયાં છે, તે અવસરે અમદાવાદના આંગણે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોરારિબાપુની વ્યાસપીઠે રામકથાનો આજે શનિવારે પ્રારંભ થયો છે. કથાના પ્રારંભે પુલવામામાં શહીદ થયેલા જવાનોને બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

આ રામકથામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રંસગે રૂપાણીએ જણાવ્યું છે કે, વિશ્વની તમામ સમસ્યાઓના ઉકેલ ગાંધી વિચારમાં રહેલા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સત્ય, અહિંસા, અપરિગ્રહ, સ્વદેશી, સ્વાવલંબન, ગ્રામીણ ઉત્થાન જેવા વિષયો પર ગાંધીજીએ એ જમાનામાં પણ સુસ્પષ્ટ વિચારો પ્રગટ કરેલા છે. આ વિચારો પરનું ગાંધીજીના દર્શન વિશ્વનું પથ દર્શન કરાવે છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગાંધીજીની જન્મજયંતિના ૧૫૦ વર્ષ અને નવજીવન ટ્રસ્ટના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે કસ્તૂરબાની વંદના કરવા અને ગાંધીજીની સ્મૃતિનું સ્મરણ કરવા મોરારિબાપુની વ્યાસપીઠે યોજાયેલ નવ દિવસીય રામકથાનો આજથી પ્રારંભ થયો છે.

ગાંધીજીએ તેમના જમાનામાં છેવાડાના માનવીની ચિંતા દર્શાવતા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત કરી વિશ્વ કલ્યાણની ખેવના સાથે રામરાજ્યની કલ્પના કરી હતી. તેવા રામરાજ્યની સ્થાપના દેશને એક અને અખંડ રાખવા સાથે કરવી છે. તેમણે કહ્યું કે, ગાંધીજીની ક્ષણક્ષણ દેશ માટે સમર્પિત હતી. ગાંધીજીએ ભગવાન રામમાંથી સતત પ્રેરણા મેળવી હતી. તેમના દેહગમન વખતે પણ તેમના મુખમાં છેલ્લા શબ્દો હે રામ હતા. આવા ભગવાનની રામની કથા દ્વારા તેમના વિચારોના પૂણ્ય સ્મરણ આજની યુવા પેઢીને પણ નવું દિશા દર્શન ચોક્કસ કરાવે છે.

દેશ જ્યારે સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે અત્યારે યોજાયેલી રામકથા યોગ્ય સમયની છે. તેમણે આયોજકોને અભિનંદન આપવા સાથે રાજ્ય સરકારે પણ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના અવસરે વિવિધ આયોજનો કર્યા છે તેની ભૂમિકા આપી હતી. મોરારિબાપુની વ્યાસપીઠે ઉલ્લેખનીય છે કે, આ રામકથા આજથી ૩જી માર્ચ સુધી યોજાઇ રહી છે. રામકથામાં ગાંધીજીના વિચારોને વણીને તેમને ભાવાંજલિ અર્પણ કરાશે. આ અવસરે નવજીવન ટ્રસ્ટના ધીરૂભાઇ મહેતા, પૂજ્ય ભારતીબાપુ, ભાગવત ઋષિએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પુલવામામાં શહીદ વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ૨ મિનિટનું મૌન પાળી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના નગરજનો, રામકથાનું શ્રવણ કરતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]