રાજકોટના આધુનિક એરપોર્ટનો લાભ સુરેન્દ્રનગરની જનતાને પણ મળશે

રાજકોટઃ રાજકોટમાં તૈયાર થનાર વૈશ્વિક કક્ષાના એરપોર્ટનો લાભ માત્ર રાજકોટને જ નહીં, પણ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને પણ મળશે. રાજકોટનું હાલનું એરપોર્ટ શહેરની વચ્ચે હોઇ તેના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બીજું એરપોર્ટ બનાવવું જરૂરી હતું. કોડ-સી ટાઇપના એરપોર્ટમાં બોઇંગ સિવાય એરબસનું પણ ઉતરાણ થઇ શકે અને ઉડી શકે છે. આ સિવાય એવિએશન મંત્રાલય દ્વારા પણ હવાની દિશા પ્રમાણે તેનું સ્થાન-વિસ્તાર નક્કી કરવામાં આવતો હોય છે. આ માહિતી મુખ્યપ્રધાને રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગે વિગતો આપતાં વિધાનસભા ગૃહમાં આપી હતી.

ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભા ગૃહમાં રાજકોટમાં તૈયાર થનાર નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી અંગે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના પ્રશ્નના પ્રત્યુતરમાં કહ્યું હતું. રાજકોટમાં તૈયાર વૈશ્વિક કક્ષાના એરપોર્ટથી મોરબીના સિરામીક ઉદ્યોગ,જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગ, જામનગરના બ્રાસ ઉદ્યોગ,વિવિધ બંદરો તેમજ સોમનાથ, દ્વારકા, ગિરનાર જેવા યાત્રાધામોને પ્રવાસન ઉદ્યોગને વધુ બળ મળશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનથી ગુજરાતમાં એર ટ્રાફિકનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. રોકાણકારોની પસંદ ગુજરાત રહ્યું છે, ત્યારે આ પ્રકારની સુવિધાઓ વધારવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા આ એરપોર્ટ બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને કુલ ૬૦૭ હેક્ટરથી વધુ જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી છે. જેના માટે જરૂરી તમામ મંજૂરી લેવામાં આવી છે. આ માટે ૯૬ ટકા જમીન સરકારી અને ૪ ટકા જમીન યોગ્ય વળતર આપીને નિયમોનુંસાર સંપાદિત કરવામાં આવી છે, સંબંધિત ગામ લોકોએ પુરતો સહકાર આપ્યો છે, જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાઓની જમીનનો સમાવેશ થાય છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કોડ-સી પ્રકારના એરપોર્ટથી ૩૬ થી ૫૨ મીટરની પહોળી પાંખો ધરાવતા વિમાનો, ઉડી શકે તેમજ ઉતરાણ કરી શકે તે માટે ૧૮૦૦ થી ૩૦૦૦ મીટરનો રન-વે તેમજ ૩૫૦ યાત્રીઓની ક્ષમતા ધરાવતા વિમાનોનું આવનજાવન થઇ શકે તેવા પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]