અયોધ્યામાં કોંગ્રેસી નેતાઓના પ્રવેશનો વિરોધ, પાર્ટીનો ઝંડો છીનવાયો

અયોધ્યાઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એને લઈને દેશ-વિદેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં ભીડ થવા લાગી છે. સોમવારે જ્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ રામ મંદિરમાં પ્રવેશ કરવા લાગ્યા, ત્યારે તેમની કેટલાક લોકો સાથે ઝપાઝપી થઈ હતી.

કોંગ્રેસી કાર્યકર્તાઓની સાથે થયેલી આ ઝપાઝપીમાં કોંગ્રેસનો ઝંડો છીનવી લેવામાં આવ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના દર્શન વખતે આ હંગામો થયો હતો. કોંગ્રેસનો ઝંડો લહેરાવાને કારણે વિવાદ થયો હતો. એ આરોપ છે કે રામ મંદિરના પ્રવેશદ્વાર પર જ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઝંડો લહેરાવવાના પ્રયાસ કર્યા હતા, જેનો ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો હતો. આ મામલે ભારે બબાલ થઈ હતી.

આ પહેલાં મકર સંક્રાંતિએ કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના વડા સહિત અનેક નેતાઓ અયોધ્યામાં રામ લલ્લાનાં દ્વારે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ અયોધ્યામાં સ્નાન પણ કર્યું હતું.

કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ- ખડગે, સોનિયા ગાંધી અને ચૌધરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ સન્માનપૂર્વ અસ્વીકાર કરી ચૂક્યા છે. કોંગ્રેસે ભાજપ પર ચૂંટણીનો લાભ લેવા માટે આ કાર્યક્રમને રાજકીય બનાવવાનો આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે ધર્મ એક વ્યક્તિગત મામલો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ભાજપ અને RSSના નેતાઓ પર મંદિરના ઉદઘાટન પાછળના હેતુ પર સવાલ ઊભો કર્યો હતો.

આ પહેલાં UP કોંગ્રેસના વડા અજય રાયે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના આશરે 100 નેતાઓ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં નિમંત્રણને કોંગ્રેસ નકાર્યા પછી પણ રાયે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે અને અન્ય નેતાઓની સાથે નક્કી કાર્યક્રમના અનુસાર 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિએ અયોધ્યા જશે. આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય. મારા સહિત રાજ્યની વિવિધ પાર્ટીના નેતા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 15 જાન્યુઆરીએ અયોધ્યા જશે.