ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો, ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

ઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજીને નકારી કાઢવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા એકબીજાના ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓને બુધવારે સ્પીકર રાહુલ નાર્વેકરે ફગાવી દીધી હતી. નાર્વેકરે આ દરમિયાન કહ્યું હતું કે શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે. કારણ કે ચૂંટણી પંચે પણ આ વાત સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોની સભ્યતા અકબંધ રહેશે. આ નિર્ણય શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો હતો.

કોણે શું કહ્યું?

એકનાથ શિંદે સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારી પાસે બહુમતી છે. અમે પહેલેથી જ આ કહી રહ્યા છીએ.  ઉદ્ધવ ઠાકરે અને શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે.

કયા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે લેવાયો નિર્ણય?

શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેનારાઓમાં સીએમ એકનાથ શિંદે, આરોગ્ય પ્રધાન ડૉ. તાનાજી સાવંત, રોજગાર પ્રધાન સંદિપનરાવ ભૂમરે, લઘુમતી વિકાસ પ્રધાન અબ્દુલ સત્તાર, ભરત ગોગાવલે, સંજય શિરસાટ અને યામિની જાધવનો સમાવેશ થાય છે.