અમૃતસરઃ ઓપરેશન બ્લુ સ્ટારની 40મી વરસી પર અમૃતસરના સુવર્ણ મંદિરમાં શીખ સમાજના કેટલાક લોકોએ ખાલિસ્તાન સમર્થકનાં સૂત્રો પોકાર્યાં હતાં. પ્રદર્શનકારીઓએ માર્યા ગયેલા અલગાવવાદી નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલાનાં પોસ્ટર પણ લહેરાવ્યાં હતાં. શિરોમણિ અકાલી દળ (અમૃતસર)ના પ્રમુખ સિમરનજિત સિંહ માન પણ સુવર્ણ મંદિરના પ્રાંગણમાં જરનૈલ સિંહ ભિડરાવાલેના સૂત્રોચ્ચાર કરતા અને પોસ્ટર પ્રદર્શિત કરતા લોકોની વચ્ચે જોવા મળ્યા હતા. જેથી સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારવામાં આવી હતી.
વરિષ્ઠ પોલીસ કમિશનર એસએસ રંધાવા સિંહે કહ્યું હતું કે અહીં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દળોને તહેનાત કરવામાં આવ્યા છે અને બેરિકેડિંગ કરવામાં આવી છે. કોઈ પણ અપ્રિય ઘટના પર નજર રાખવામાં આવશે.
કોણ હતો ભિંડરાવાલે?
ભિંડરાવાલે કટ્ટરપંથી શીખ સંગઠન દમદમી ટકસાલના પ્રમુખ હતા. જૂન, 1984માં સુવર્ણ મંદિર પ્રાંગણમાં આતંકવાદીઓને બહાર કાઢવા માટે સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બ્લુસ્ટાર દરમ્યાન તેઓ સશસ્ત્ર અનુયાયીઓની સાથે માર્યો ગયો હતો. પંજાબમાં છ જૂન, 1984એ ભિંડરાવાલેના નેતૃત્વમાં શીખ ઉગ્રવાદને અટકાવવા માટે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશ પર ઓપરેશન બ્લુ સ્ટાર હેઠળ સેનાએ સુવર્ણ મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવી માહિતી હતી કે ભિંડરાવાલાએ સુવર્ણ મંદિર પ્રાંગણમાં મોટી માત્રામાં હથિયારો છુપાવી રાખ્યા હતા.
આ ઓપરેશનની ઘણી આકરી ટીકા થઈ હતી. મહિનાઓ પછી 31 ઓક્ટોબર, 1984એ ઇન્દિરા ગાંધીની નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને તેમના શીખ અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. બિયંત સિંહ અને સતવંત સિંહ ઇન્દિરા ગાંધીના અંગરક્ષક હતા.હાલમાં પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં બિયંત સિંહ (ઇન્દિરા ગાંધીના અંગરક્ષકો માના એક)ના પુત્ર સરબજિત સિંહ ખાલસાએ ફરીદકોટ મતક્ષેત્રમાંથી આમ આદમી પાર્ટીના નેતા કરમજિત સિંહ અનમોલ પર 70,053 મતોના અંતરથી જીત નોંધાવી હતી.