‘ખુલ્લેઆમ ગુંડાગર્દી ચાલી રહી છે’ ભાજપ પર વરસ્યા કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિ મામલે EDના ત્રણ સમન્સ પછી તપાસ એજન્સીની સામે હાજર નહીં થયા પછી દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લિકર કૌભાંડ- છેલ્લાં બે વર્ષમાં આ શબ્દ તમે સાંભળ્યો હશે. બે વર્ષમાં ભાજપની બધી એજન્સીઓ કેટલાય દરોડા પાડી ચૂકી છે. કેટલાય લોકોની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી એક પણ પૈસાની હેરફેર નથી મળી.

તેમણે કહ્યું હતું કે ક્યાંયથી પણ એક પણ પૈસા નથી મળ્યા. જો ભ્રષ્ટાચાર થયો છે તો આટલા પૈસા ગયા ક્યાં? શું બધા પૈસા હવામાં ગાયબ થઈ ગયા. કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, જો થયો હોત તો પૈસા મળત. આવા નકલી કેસમાં આપના કેટલાય નેતાઓને આ લોકોએ અત્યાર સુધી જેલમાં રાખ્યા છે. કંઈ સાબિત નથી થઈ રહ્યું.

ખુલ્લેઆમ ગુંડાગર્દી ચાલી રહી છે. કોઈને પણ પકડીને જેલમાં નાખી દો. હવે ભાજપ મારી ધરપકડ કરવા ઇચ્છે છે. મારી સૌથી મોટી તાકાત મારી ઇમાનદારી છે. મારા વકીલોએ જણાવ્યું કે મને મોકલવામાં આવેલા સમન્સ ગેરકાયદે છે. ભાજપનો ઉદ્દેશ મારી તપાસ કરવાનો નહીં, પણ લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરવા દેવાનો છએ. તેઓ તપાસને બહાને મને બોલાવવા ઇચ્છે છે અને એ પછી ધરપકડ કરવા ઇચ્છે છે. ભાજપે એક પણ વાતનો જવાબ નથી આપ્યો. એનો અર્થ એ થયો કે તેમની પાસે મારી વાતનો જવાબ નથી. તેઓ પણ માને છે કે તેમના સમન્સ ગેરકાયદાકીય છે. જો કાયદાકીય રીતે યોગ્ય સમન્સ આવશે તો હું પૂરો સહયોગ કરીશ, એમ તેમણે કહ્યું હતું.