નવી દિલ્હી – કેન્દ્ર સરકારની ‘વન નેશન, વન રાશન કાર્ડ’ પદ્ધતિ આવતી 15 જાન્યુઆરીથી શરૂઆતમાં દેશના 12 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ પદ્ધતિ અંતર્ગત લાભાર્થી દેશના કોઈ પણ હિસ્સામાં રાશનની દુકાનોમાંથી સબ્સિડીવાળું અનાજ ખરીદી શકશે.
ધીમે ધીમે આ પદ્ધતિને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે.
શરૂઆતમાં આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને ઝારખંડમાં લાગુ કરવામાં આવશે.
આ રાજ્યો પોઈન્ટ ઓફ સેલ (PoS) મશીનોનો ઉપયોગ કરીને સાર્વજનિક વિતરણ પદ્ધતિ (PDS – પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ) પાત્રતાની પોર્ટેબિલિટી પ્રદાન કરશે, જે 12 રાજ્યોમાં રાશનની તમામ દુકાનોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે, પ્રવાસી મજૂરો, દૈનિક ગ્રામીણ કામદારો કોઈ પણ ફેર પ્રાઈસ શોપ (FPS – રાશન દુકાન)માંથી PoS મશીન પર બાયોમેટ્રિક/આધાર નંબરની ખાતરી મળ્યા બાદ નેશનલ ફૂડ સિક્યૂરિટી એક્ટ હેઠળ એ જ રાશન કાર્ડનો ઉપયોગ કરીને સબ્સિડીવાળું અનાજ મેળવી શકશે.
આ પદ્ધતિથી આશરે 3 કરોડ 50 લાખ જેટલા લોકોને લાભ મળશે એવું કેન્દ્ર સરકારનું અનુમાન છે.
આ પદ્ધતિ લાગુ થયા બાદ લોકો દેશના કોઈ પણ રાજ્યમાં પોતાના રાશન કાર્ડનો ઉપયોગ કરીને અનાજ ખરીદવા માટે સક્ષમ બનશે.
દેશમાં કુલ 79 કરોડ લોકો પાસે રાશન કાર્ડ હશે.
ઉલ્લેખનીય છે કે ગરીબ મજૂરો તથા દૈનિક કામદારો નોકરીની શોધ માટે અવારનવાર પોતાનું નિવાસસ્થાન બદલતા હોય છે.
નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો 2016ના નવેંબરથી લાગુ કર્યો છે જે હેઠળ 80 કરોડથી વધારે લોકોને દર મહિને એક રૂપિયામાં એક કિલોગ્રામ સબ્સિડીવાળું અનાજ પૂરું પાડવામાં આવે છે.
નવી પદ્ધતિથી નકલી રાશન કાર્ડધારકોને દૂર કરવામાં સરકારને મદદ મળશે.