વળતા પ્રહારમાં ભારતીય સેનાએ સીમાપારના 4 ને ઠાર કર્યા

પુંછ:  પાકિસ્તાન દ્વારા સીમા પારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાન સેનાની પોસ્ટિંગ ચોકીઓ તોડી પાડી છે. તે સાથે જ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કરી દીધા છે. ગુરૂવારે રાતે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં એલઓસીની નજીક સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને મોર્ટાર છોડ્યા હતા. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી.

આ પહેલાં બુધવારે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાને મોર્ટાર છોડ્યા હતા અને ગોળીબાર પણ કર્યો હતો. પાકિસ્તાની સેનાની આ હરકતના કારણે એક ભારતીય સેનાના જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારે પણ ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ઘણી ચોકી બરબાદ થઈ ગઈ હતી. પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે આ દરમ્યાન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના દેવા સેક્ટરમાં તેમના બે જવાનના મોત થયા છે. ભારતીય સેનાએ સ્પષ્ટ કહી દીધું કે, જો એલઓસી પર ભારતનો એક પણ જવાન શહીદ થયો તો પાકિસ્તાનના ઓછામાં ઓછા ત્રણ જવાન શહીદ થશે.

પાકિસ્તાન ઘણાં સમયથી ભારતીય સીમામાં આવેલા રહેણાંક વિસ્તારોને મોર્ટારથી ટાર્ગેટ કરી રહ્યા છે. 21 અને 22 ડિસેમ્બરની રાતે પણ પાકિસ્તાન રેન્જર્સે કાશ્મીરના મેંઢર, કૃષ્ણા ઘાટી અને પુંછમાં ફાયરિંગ કર્યું હતું. 5 ઓગસ્ટથી જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાન તરફથી સીઝફાયર તોડવાની ઘટનાઓ વધી ગઈ છે.