પણજીઃ વિશ્વમાં અને દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગોવામાં બ્રિટનથી આવેલા ચાર યાત્રીઓ કોરોના સંક્રમિત માલૂમ પડ્યા છે. રાજ્યના આરોગ્યપ્રધાન વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે ગોવા એરપોર્ટ પર સવારે બધા પેસેન્જરોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર યાત્રીઓ સંક્રમિત મળ્યા હતા. બધા સંક્રમિતોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 202 કેસ નોંધાઈ ચૂક્યા છે. ઓમિક્રોનના સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર અને દિલ્હી છે. બંને રાજ્યોમાં ઓમિક્રોનના 54-54 કેસો મળ્યા છે. ઓડિશામાં નવા બે સંક્રમિત મળ્યા છે.ઓમિક્રોનના પ્રસરવા સાથે ઇઝરાયેલમાં કોરોનાની પાંચમી લહેર આવી ગઈ છે, ત્યાંના વડા પ્રધાને બધા લોકોને રસી લેવા માટે અને સાવધ રહેવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલમાં પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે.
દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કુલ ઓમિક્રોનના કેસોએ 200ની સંખ્યા પાર કરી છે. જોકે સારી વાત એ છે કે 77 દર્દીઓ એમાંથી સારવાર લઈને ઠીક થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 5326 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 453 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,52,164 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,78,007 લોકોનાં મોત થયાં છે.