ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકરપદે ચૂંટાયા

નવી દિલ્હીઃ ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. આ પહેલાં સંસદની કાર્યવાહી શરૂ થતાં જ PM મોદીએ સંસદમાં લોકસભા સ્પીકર માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને રાજનાથ સિંહ અને લલન સિંહે ટેકો આપ્યો હતો.

ઓમ બિરલા ધ્વનિ મત દ્વારા સંસદમાં નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે. હવે ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર હશે. આ પહેલાં પણ તેઓ લોકસભાના સ્પીકર હતા.બુધવાર લોકસભા સ્પીકરપદ માટે ચૂંટણીની સાક્ષી બની રહી , જે 1976 પછી આ પ્રકારે પહેલો પ્રસંગ છે. કોંગ્રેસ સભ્ય કોડિકુનિલ સુરેશને NDAના ઉમેદવાર ઓમ બિરલાની વિરુદ્ધ વિપક્ષના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સ્વતંત્ર ભારતમાં લોકસભા સ્પીકર પદ માટે માત્ર ત્રણ વાર 1952,1967 અને 1976માં ચૂંટણી થઈ હતી. વર્ષ 1952માં કોંગ્રેસ સભ્ય જીવી માવળંકરને લોકસભા સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે લોકસભા સ્પીકર પદ પર પસંદગી કરવા માટે સરકાર અને વિપક્ષની વચ્ચે સહમતી નહોતી સધાઈ. જેને કારણે ચૂંટણી કરવી પડી હતી.

કેન્દ્રમાં PM મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર NDA સરકારની રચના પછી સરકાર અને વિપક્ષની વચ્ચે આ પહેલું શક્તિ પ્રદર્શન હતું. એટલા માટે ભાજપના વ્યૂહરચનાકાર પક્ષના ઉમેદવાર ઓમ બિરલાને વધુ ને વધુ સાંસદોના સમર્થનની સાથે મોટી જીત અપાવવાના મિશનમાં લાગી ગયા હતા અને એની કમાન ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી હતી.

PM મોદીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યાં હતાં. PM મોદી અને રાહુલ ગાંધી બંને સાથે મળીને ઓમ બિરલાને પોતાની સીટ પર લઈ ગયા હતા.