ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 40 મૃતદેહો પર એક પણ જખમ નથી

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારની મોડી સાંજે થયેલી ભીષણ ટ્રેન અથડામણમાં 278 જણ માર્યા ગયા છે. તે મૃતકોમાંના 40 જણનાં શરીર પર એક પણ બાહ્ય જખમ જોવા મળ્યું નથી. તેથી આ 40 જણનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી હતી. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તમામનું મૃત્યુ વીજળીનો કરંટ લાગવાથી થયું હોવું જોઈએ. ઓવરહેડ કેબલ ટ્રેન પર પડ્યા બાદ એમાંથી પસાર થયેલી વીજળીનો તીવ્ર આંચકો લાગવાથી એ લોકોનું મૃત્યુ થયું હોવાની શંકા સેવાઈ રહી છે.

ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ નોંધેલી એફઆઈઆરમાં અનેક પ્રવાસીઓનું મૃત્યુ અકસ્માત અને વીજળીનો કરંટ લાગવાને કારણે થયું હોવાનું દર્શાવાયું છે. રેલવેનો ઉપરનો લો ટેન્શન તાર ટ્રેનની બોગી પર પડતાં વીજળીનો આંચકો લાગ્યો હતો. કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસની ટક્કર બાદ કેબલ તૂટ્યો હોવાની શક્યતાની તપાસ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે 101 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. 55 મૃતદેહ એમના સ્વજનોને સુપરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે 40 મૃતદેહોના શરીર પર એકેય જખમ જોવા મળ્યું નથી. લોહીનું એકેય ટીપું પણ નહોતું. તેથી તે લોકોનું મૃત્યુ વીજળીનો આંચકો લાગવાને કારણે થયું હોવાનું મનાય છે.

આ ટ્રેન દુર્ઘટનામાં 1100 જેટલા લોકો જખ્મી થયા હતા. 900 જણને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 200થી વધારે લોકોની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.