સરઘસમાં ઔરંગઝેબના પોસ્ટર બતાવ્યા; ચાર જણ સામે પોલીસે ફરિયાદ નોંધી

મુંબઈઃ મહારાષ્ટ્રના અહિલ્યાદેવી નગર (અગાઉના અહમદનગર) જિલ્લામાં કાઢવામાં આવેલા એક સરઘસ વખતે મોગલ બાદશાહ ઔરંગઝેબના પોસ્ટરો દર્શાવવા બદલ પોલીસે ચાર જણ સામે ફરિયાદ નોંધી છે. તે સરઘસ ગયા રવિવારે અહિલ્યાદેવી નગરના ફકીરવાડા વિસ્તારમાં કાઢવામાં આવ્યું હતું અને એમાં ઔરંગઝેબની તસવીરો દર્શાવતો એક વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો.

સરઘસમાં સંગીત વગાડવામાં આવી રહ્યું હતું અને લોકો ડાન્સ કરતા હતા. એમાં ચાર જણ હાથમાં ઔરંગઝેબના પોસ્ટરો લઈને ચાલતા હતા. આ ચારેય જણ સામે ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમ કોમી લાગણી ભડકાવવાના ઈરાદા તથા અન્ય કોમનાં લોકો વિરુદ્ધ ગુનો કરવા, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાને લગતી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ઔરંગઝેબનું પોસ્ટર બતાવશે તો એ ચલાવી નહીં લેવાય. આ દેશમાં અને રાજ્યમાં આપણા આદરણીય દેવતાઓ છે છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજ.