રાયબરેલીમાં NTPC પ્લાન્ટમાં બોઈલર ફાટ્યું; 26ના મોત

રાયબરેલી (ઉત્તર પ્રદેશ) – રાયબરેલી જિલ્લાના ઉંચાહાર વિસ્તારમાં આવેલા સરકારી માલિકીની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) કંપનીના પ્લાન્ટમાં આજે સાંજે બોઈલર ફાટતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. ઓછામાં ઓછા 26 કામદારો માર્યા ગયા છે અને બીજાં ૨૦૦ જણ ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા મુજબ, ઉંચાહાર વિસ્તાર સ્થિત એનટીપીસીના પ્લાન્ટના ૫૦૦ મેગાવોટના બોઈલર એકમમાં ધડાકો થયો હતો. એને પગલે કામદારોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.

ભોગ બનેલાઓમાંના મોટા ભાગના લોકો દાઝી ગયા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મોરિશસના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે ગયા છે. એમણે ત્યાંથી આદેશ આપ્યો છે કે દુર્ઘટના સ્થળે બચાવ તથા રાહત કામગીરી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ, એનટીપીસી પ્લાન્ટમાં પ્રેશર વધી જવાને કારણે એશ-પાઈપમાં ધડાકો થયો હતો.

આ કોલસા પ્લાન્ટ અજમાયશ હેઠળ હતો. એને હવે બંધ કરી દેવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વળતર પેટે પ્રત્યેક મૃતકના નિકટના સ્વજનને રૂ. બે લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેકને રૂ. ૫૦ હજાર અને ઘાયલ થયેલા પ્રત્યેકને રૂ. ૨૫ હજાર એક્સ-ગ્રેસિયા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]