રાહુલ ગાંધીની ઉમેદવારી કાયદેસર છે; નાગરિકત્વ, શૈક્ષણિક યોગ્યતા અંગેના આક્ષેપો ફગાવી દેવાયા

નવી દિલ્હી – ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસરે આજે જાહેરાત કરી છે કે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનું નામાંકન કાયદેસર છે.

આ સાથે જ અમેઠીમાંથી ચૂંટણી લડવા સામે રાહુલ માટેનો માર્ગ ફરી એક વાર મોકળો થયો છે.

રવિવારે શાસક ભારતીય જનતા પાર્ટીએ રાહુલના નાગરિકત્વ અને શૈક્ષણિક યોગ્યતાના મુદ્દાઓ અંગે એમના ચૂંટણી સોગંદનામામાં કથિત વિસંગતીઓ હોવા વિશે નિર્દેશ કર્યો હતો.

ભાજપના પ્રવક્તા જી.વી.એલ. નરસિંહા રાવે કહ્યું હતું કે અમેઠીના રિટર્નિંગ ઓફિસરે રાહુલ ગાંધીના ઉમેદવારીપત્રમાંની વિગતો અંગે ખુલાસો માગ્યો હતો, પણ રાહુલ ગાંધી અને એમના વકીલ રાહુલ કૌશિક ખુલાસો કરી શક્યા નહોતા.

રાહુલ કૌશિકે કહ્યું હતું કે રાહુલ ગાંધીનો જન્મ ભારતમાં થયો હતો અને એમની પાસે ભારતીય પાસપોર્ટ છે. એમણે ક્યારેય કોઈ અન્ય દેશનું નાગરિકત્વ મેળવ્યું નથી. એમનો પાસપોર્ટ, વોટર-આઈડી અને ઈન્કમ ટેક્સ, બધું જ ભારતનું છે. રાહુલ ગાંધીએ એમની એમ.ફિલ (માસ્ટર ઓફ ફિલોસોફી) ડિગ્રી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1995માં મેળવી હતી. મેં એમના સર્ટિફિકેટની કોપી એમના ઉમેદવારીપત્ર સાથે જોડી છે.

અમેઠીના અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલે એક પીટિશન ફાઈલ કરી હતી જેમાં એમણે રાહુલની શૈક્ષણિક યોગ્યતા અને નાગરિકત્વ અંગેની વિગત જાણવાની માગણી કરી હતી.

દરમિયાન, રાહુલ ગાંધીએ જ્યાંથી બીજું નામાંકન નોંધાવ્યું છે તે કેરળના વાયનાડ મતવિસ્તારમાં પણ એમના નાગરિકત્વ અને શૈક્ષણિક યોગ્યતાના મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ ભાજપના ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લીએ કેરળના ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]