નવી દિલ્હીઃ I.N.D.I.A. એલાયન્સમાં ચોથી જાન્યુઆરીએ થનારી બેઠક સ્થગિત કરવામાં આવી છે અને એ મીટિંગ પાંચ જાન્યુઆરીએ થશે. આ બેઠકમાં બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારને I.N.D.I.A. ગઠબંધનેના સંયોજક રૂપે ચૂંટી લેવામાં આવે એવી સંભાવના છે, કેમ કે વિરોધ પક્ષોના નેતાઓ સાંજે છ કલાકે મળવાના છે.
આ બેઠકમાં બધા પક્ષો વિચારવિમર્શ માટે ઉપલબ્ધ નહીં હોય, પરંતુ આશરે 10-12 પાર્ટીઓ ભાગ લેશે અને નિર્ણયથી અન્યોને જાણ કરવામાં આવશે. સંયોજક મુદ્દે નીતીશકુમાર પર મોટા ભાગનાઓની સહમતી છે, કેમ કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મમતા બેનરજી અને JDUના નેતાએ ભાર મૂક્યો હતો, એમ સૂત્રોએ કહ્યું હતું.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંયોજકને મુદ્દે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, આપના કેજરીવાલ, પર અને CM નીતીશકુમારની સાથે વાતચીત કરી હતી.RJDના યુવા નેતા તેજસ્વીને JDU અધ્યક્ષ નીતીશકુમારને સંયોજક બનાવવા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે નીતીશકુમાર વરિષ્ઠ નેતા છે. જો કોઈ એવો પ્રસ્તાવ આવે છે તો એ બિહાર માટે બહુ સારું થશે.
I.N.D.I.A. ગઠબંધનની પાછલી બેઠકમાં આપ અને TMCએ વડા પ્રધાનપદના ઉમેદવાર માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે આ દરમ્યાન ભાજપના OBC મોરચાના રાષ્ટ્રીય પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું હતું કે RJD જૂના સહયોગી પક્ષ કોંગ્રેસની મદદથી નીતીશકુમારને સંયોજક બનાવીને તેમને મુખ્ય મંત્રી પદ છોડવા માટે મજબૂર કરવા અને તેજસ્વી માટે રસ્તો સાફ કરવાનું ષડયંત્ર રચી રહી છે.