નિર્ભયા કેસના દોષિતનું નવું તરકટઃ દિવાલ સાથે માથું પછાડ્યું

નવી દિલ્હી: નિર્ભયા કેસના દોષિતોને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે મૃત્યુથી બચવા માટેના તમામ પ્રયત્નો કરી લીધા પરંતુ બચવા માટેનો હવે કોઈ રસ્તો લગભગ બચ્યો નથી. પરંતુ હજી આરોપીઓ કંઈક ને કંઈક તરકટો કરી રહ્યા છે. નિર્ભયા ગેંગરેપ કેસ મામલે એક દોષિત વિનય શર્માએ તિહાડ જેલમાં પોતાને ઈજા પહોંચાડી છે. વિનયે જેલની દીવાલ સાથે પોતાનું માથું પછાડ્યું અને ઘાયલ થયો છે. જેલ અધિકારીઓના જણાવ્યાં મુજબ વિનયે 16 ફેબ્રુઆરીના રોજ પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. તેને સામાન્ય ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે નવા ડેથ વોરન્ટ મુજબ હવે આ ચારેય દોષિતોને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે.

નોંધનીય છે કે નિર્ભયાના દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે 17 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો. નિર્ભયાના માતા આશાદેવીએ ફાંસીની સજાની નવી તારીખ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મને આશા છે કે 3 માર્ચના રોજ આ દોષિતોને ફાંસી થઈ જશે.

અત્રે જણાવવાનું કે રાજધાનીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર 2012ના રોજ રાતના 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થી નિર્ભયા સાથે ચાલુ બસમાં બર્બરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ જઘન્ય ઘટના બાદ પીડિતાને સારવાર માટે સરકારે સિંગાપુર મોકલી હતી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ મામલે દિલ્હી પોલીસે બસ ચાલક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક સગીર પણ સામેલ હતો. સગીરને 3 વર્ષ સુધી સુધાર ગૃહમાં રાખ્યા બાદ છોડી મૂકાયો હતો. જ્યારે એક આરોપી રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. ફાસ્ટટ્રેક કોર્ટે આ મામલે ચાર આરોપીઓ પવન, અક્ષય, વિનય અને મુકેશને દોષિત ઠેરવતા ફાંસીની સજા સંભળાવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો.