નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની મુંબઈ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઈમેલ મોકલનારે ધમકીમાં એમ જણાવ્યું છે કે તેની પાસે 20 કિલોગ્રામ આરડીએક્સ છે અને તે હજારો લોકોને મારી શકે છે. ‘હું દેશભરમાં 20 હુમલા કરવાનો પ્લાન ઘડી રહ્યો છું,’ એમ તેણે વધુમાં જણાવ્યું છે. ઈમેલ મોકલનાર વ્યક્તિને પીએમ મોદી સામે ફરિયાદો હોય એવું લાગે છે. તેણે કહ્યું છે કે મોદીએ એનું જીવન બરબાદ કરી નાખ્યું છે. ઈમેલ મોકલનારે રક્તપાત કરવા અને દેશ માટે મોટી આફત સર્જવા માટે કયા લોકોના સંપર્કમાં છે એનો પણ ઉલ્લેખ કર્યો છે. મેં 28 ફેબ્રુઆરીએ સ્લીપર સેલ્સ સક્રિય કર્યા છે, એમ તેણે લખ્યું છે.
એનઆઈએના અમલદારોએ આ ઈમેલ અંગે તપાસ શરૂ કરી દીધી છે, એવું ગુપ્તચર સૂત્રોનું કહેવું છે. આ હત્યાકાંડ માટે ઓછામાં ઓછા 20 સ્લીપર સેલ્સ સક્રિય કરવામાં આવ્યા છે. આ સ્લીપર સેલ્સ પાસે 20 કિલોગ્રામ આરડીએક્સ હોવાનું મનાય છે. ઈમેલ મોકલનારના જણાવ્યા મુજબ, આ યોજનાનો અમલ કરવાની રાહ જોવાઈ રહી છે. આમાં અનેક ત્રાસવાદી સંગઠનો પણ જોડાયા છે.
