તિરુવનંતપુરમઃ ભારત વિરુદ્ધ ષડયંત્રના એક કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અમલદારોએ પ્રતિબંધિત સંગઠન પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે કેરળમાં 56 સ્થળોએ દરોડા પાડ્યા છે. આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ કરવામાં આવેલા દરોડા સવારે 9.30 વાગ્યે પણ ચાલુ હતા, એમ સૂત્રોએ કહ્યું. મલપ્પુરમ, કોઝિકોડ, કાન્નૂર, અલાપૂળા, કોલ્લામ, એર્નાકુલમ સહિત અનેક શહેરોમાં પીએફઆઈના સભ્યો, ભૂગર્ભમાંથી કામગીરી ચલાવતા કાર્યકર્તાઓ સાથે સંપર્ક ધરાવનાર અનેક શકમંદોના નિવાસ તથા ઓફિસો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પીએફઆઈ સંગઠન તથા એના સહયોગી સંગઠનો પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા સપ્ટેમ્બર મહિનામાં પ્રતિબંધ મૂક્યો હતો. ભારત સરકારે પીએફઆઈને ગેરકાયદેસર સંસ્થા તરીકે ઘોષિત કરી છે. તેની પર 1967ના ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિયંત્રણ) કાયદા અંતર્ગત પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરોડામાં એનઆઈએ અમલદારોની સહાયતા કરવા કેરળ પોલીસના જવાનો પણ જોડાયા છે. પીએફઆઈના લોકો પર આરોપ છે કે તેઓ અનેક પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓમાં તથા હત્યાઓમાં સંડોવાયેલા છે. પીએફઆઈના કેટલાક કાર્યકર્તાઓ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનમાં જોડાયા છે.
તપાસનીશોના જણાવ્યાનુસાર, પીએફઆઈ પર પ્રતિબંધ મૂકાયો હોવાથી કોઈ બીજા નામે આ સંગઠન શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજની કાર્યવાહી એ લોકોની સામે જ કરવામાં આવી છે. 2006ના નવેમ્બરમાં ત્રણ મુસ્લિમ સંગઠનોને જોડીને પીએફઆઈની સ્થાપના કરવામાં આવી હતી. એમાં કેરળના નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટકના ફોરમ ફોર ડિગ્નિટી અને તામિલનાડુના મનિતા નીતિ પસરઈ સંગઠનોનો સમાવેશ થાય છે.