ટ્રાફિકના નવા કાયદાના મુદ્દે ભાજપમાં જ ઘમાસાણ?

નવી દિલ્હીઃ એક દેશ એક વિધાનનું સુત્ર આપનારી ભાજપની કેન્દ્ર સરકાર માટે હવે તેનો જ કાયદો તેના જ માટે એક સમસ્યા બની ગયો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે લાવવામાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની રકમને ખૂબ વધારી દેવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી લાગૂ થયેલા કાયદા અંતર્ગત હજારો રુપિયાના દંડ કરવામાં આવ્યા, પરંતુ ઘણી રાજ્ય સરકારો હવે સતર્ક બની ગઈ છે. ઘણા રાજ્યની સરકારોએ કાયદામાં સંશોધન કરીને દંડની રકમને ઘટાડી દીધી અને આ રાજ્યોના લિસ્ટમાં ભાજપ શાસિત રાજ્યો અગ્રક્રમે છે.

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ નવા કાયદા અંતર્ગત દંડની રકમને 1000 થી વધારીને 5000 અથવા 10 હજાર રુપિયા સુધી કરી દીધી છે. નવો કાયદો લાગૂ થયો તો, 25000 થી 50,000 રુપિયા સુધીના દંડની વિગતો સામે આવવા લાગી અને ચર્ચાઓ શરુ થઈ ગઈ.

સામાન્ય લોકો વચ્ચે ચલણને લઈને મચેલી હલચલ વચ્ચે રાજ્ય સરકારોએ આ કાયદાનો એક જુગાડ શોધી કાઢ્યો અને આ ફોર્મ્યુલાની આગેવાની ગુજરાતે કરી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને દંડની રકમમમાં ઘટાડાની જાહેરાત કરી અને કેટલીક દંડ રકમોને તો 90 ટકા સુધી ઘટાડી દીધી.

ગુજરાતે એક રસ્તો બતાવ્યો તો અન્ય રાજ્યો પણ આ જ રસ્તે દોડી ગયા. અને આ રાજ્યોમાં સૌથી આગળ એવા રાજ્યો છે કે જ્યાં આવનારા કેટલાક મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. ખાસ વાત તો એ છે કે ત્રણેય રાજ્યો ભાજપ શાસિત રાજ્યો છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર જાગ્યું અને રાજ્યના પરિવહન પ્રધાને નિતિન ગડકરીને પત્ર લખ્યો અને દંડની રકમ પર ચિંતા વ્યક્ત કરી. દેવેન્દ્ર ફડણવીસની સરકારને ચિંતા છે કે દંડની રકમની પાછળ ક્યાંક મતોની સંખ્યા ઘટી ન જાય.

મહારાષ્ટ્રની રાહ પર ઝારખંડ અને હરિયાણા ચાલ્યા, ઝારખંડ જલ્દી જ વિશેષ સત્ર બોલાવીને કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરે તેવી શક્યતાઓ છે. તો હરિયાણાએ હજી 45 દિવસ સુધીની જાગૃતતા ઝુંબેશ ચલાવવાની વાત કહી છે.

મહારાષ્ટ્ર-ઝારખંડ-હરિયાણામાં તો ચૂંટણી છે એટલા માટે દંડની રકમ ઘટાડવાના નિર્ણયને રાજનૈતિક રીતે જોવામાં આવી રહ્યો છે, પરંતુ ઉત્તરાખંડ અને કર્ણાટકે પણ કંઈક આવું જ કર્યું છે. ઉત્તરાખંડે દંડની રકમને 90 ટકા જેટલી ઘટાડવાની જાહેરાત કરી દીધી, તો કર્ણાટક દ્વારા અત્યારે આ મામલે વિચાર કરવામાં આવી રહ્યો હોવાની વાત, કહેવામાં આવી છે.