અગલે બરસ તું જલ્દી આઃ મુંબઇ-અમદાવાદમાં શ્રીજીને ભાવભીની વિદાય

મુંબઈઃ છેલ્લા 10 દિવસથી જે ગણેશોત્સવમાં ભક્તોએ ખૂબ ભક્તિ સાથે જલસો કર્યો તેની આજે પૂર્ણાહૂતીનો દિવસ છે. મુંબઈમાં ગણપતિ બાપ્પાની વિદાય શરુ થઈ ગઈ છે. ઢોલ-નગારાના તાલ સાથે લાલ બાગ ચા રાજાને વિદાય કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન “ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તૂં જલ્દી આ” ના ભક્તિ સુત્રોનું ઉચ્ચારણ કરીને લોકો ભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી રહ્યા છે. ગણેશ વિસર્જનને લઈને મુંબઈ પોલીસ અને બીએમસી દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખૂણે-ખૂણે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મુંબઈમાં 50 હજારથી વધારે અધિકારી અને અન્ય સ્ટાફ રોડ પર ઉપસ્થિત રહેશે. પ્રાપ્ત વિગતો અનુસાર છ હજારથી વધારે સાર્વજનિક ગણપતિ મંડળ છે અને ગુરુવારના રોજ એક લાખથી વધારે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. સ્થાનીય સશસ્ત્ર યૂનિટ જેવાકે એસઆરપીએફ, ક્યૂઆરટી, બીડીડીએસ, મુંબઈ ટ્રાફિક પોલીસની વધારે ટીમો મહાનગરમાં તૈનાત રહેશે. પોલીસની સાથે વ્યવસ્થા બની રહે તે માટેની જવાબદારી સંભાળવા માટે હોમગાર્ડ, આરએસપી, એનએસએસ, એનસીસી, સ્કાઉટ ગાઈડ અને બિન સરકારી સંગઠનોની મદદ મળશે.

મુંબઈ પોતાના સૌથી પ્રિય ભગવાન ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે સજ્જ છે. મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ અને બીએમસી દ્વારા ગણેશ વિસર્જનના છેલ્લા દિવસ માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.

મુંબઈમાં ગણેશ વિસર્જન માટે 129 સ્થાનો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પૈકી 5 મહત્વના છે, ગિરગાંવ, ચોપાટી, શિવાજી પાર્ક, મલાડ ટી જંક્શન અને પવઈ. મુંબઈમાં ખાસ વ્યવસ્થા અંતર્ગત 53 જેટલા રોડને આજે બંધ રાખવામાં આવ્યા છે. 56 જેટલા રોડ પર વન વે ટ્રાફિક રહેશે. તો 19 જેટલી જગ્યાઓ પર પાર્કિંગની મંજૂરી આજના દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે.

અમદાવાદમાં આજે દસ દિવસનું આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં સરકારે કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને કૃત્રિમ તળાવમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના જળાશયો પ્રદૂષિત ન થાય તેમાટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ વાજતે-ગાજતે ગણેશજીને વિદાય આપી રહ્યા છે. તો વિદાય દરમિયાન અનેક લોકોના આંખ આંસુ પણ આવી રહ્યા છે. ગણપતિ વિસર્જનને લઈને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.

અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર વિસર્જન માટે મનપા દ્વારા 60 જેટલા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ અને મનપા તંત્ર ખડેપગે રહીને ગણપતિ વિસર્જન કરાવશે. વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરાઈ છે.

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈ ચાંપતો બંદોબસ્ત કરાયો છે. સવારે 11 વાગ્યાથી ગણેશ વિસર્જનના સ્થળો આસપાસના રોડ-રસ્તાને ડાયવર્ઝન અપાયા છે. રિવરફ્રન્ટ, સરદારનગર અને શાહીબાગ વિસ્તારમાં શ્રદ્ધાળુઓનો ધસારો રહેશે. અમદાવાદમાં 7 DCP, 25 ACP, 77 PI, 340 PSI, 5750 હેડ કોન્સ્ટેબલ, 525 મહિલા હેડ કોન્સ્ટેબલ, 10 કંપની SRP, 2 ટુકડી RAF, 3400 હોમગાર્ડ જવાન, 350 મહિલા હોમગાર્ડ બંદોબસ્તમાં ખડેપગે રહેશે.