નાયબ સૈની બનશે નવા CM: સાંજે શપથગ્રહણ

નવી દિલ્હીઃ હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટર સહિત મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધાં છે. વિધાનસભ્ય દળની બેઠકમાં નાયબ સૈનીના નામ પર સહમતી સધાઈ ચૂકી છે. તેઓ રાજ્યના નવા CM બનશે. એ સાથે તેઓ પાંચ નવા ચહેરા પણ મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ પણ સાંજે પાંચ કલાકે થશે.

54 વર્ષના નાયબ સૈની અંબાલા જિલ્લાના નારાયણગઢ વિધાનસભાના ગામ મિરઝાપુરના રહેવાસી છે. તેમણે મેરઠના ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીથી LLBનું શિક્ષણ લીધું છે. તેઓ ખેડૂત પરિવારમાં આવે છે. નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના વડા છે. હાલમાં તેઓ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી સાંસદ છે. સૈની વર્ષ 2014થી 2019 સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2014 થી 2019 સુધી હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ એ પહેલાં 2009માં ભાજપના કિસાન મોરચાના હરિયાણાના મહામંત્રી હતા.

નાયબ સિંહ સૈની ઓબીસી વર્ગમાંથી આવે છે. તેમને ઓક્ટોબર, 2023માં જ હરિયાણાના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલે કે માત્ર 5 મહિના બાદ તેઓ સીએમની ખુરશીની રેસમાં પહોંચી ગયા છે. તેમને રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપે સૈનીને બીજી મોટી જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે અને ખટ્ટરની ખૂબ નજીક માનવામાં આવે છે.

નાયબ સિંહ સૈની અને બીજા ધારાસભ્યો રાજભવન પહોંચી ગયા છે. તેઓ સરકારની રચના કરવા અંગે રાજ્યપાલને જણાવશે. આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને JJP વચ્ચે સમજૂતી થઈ શકી ન હોવાથી ગઠબંધન તૂટી ગયું છે. રાજ્યમાં JJPએ સીટની વહેંચણીમાં બે સીટ માગી હતી, જ્યારે ભાજપ એક પણ સીટ આપવા માટે તૈયાર ન હતો. અગાઉની ચૂંટણીમાં ભાજપને આ રાજ્યમાં તમામ બેઠકો મળી હતી.