મુસ્લિમ હોસ્ટેલમાં દરોડાઃ 30 બોમ્બ, બે બંદૂકો જપ્ત

પ્રયાગરાજઃ પ્રયાગરાજ સ્થિત અલાહાબાદની મુસ્લિમ હોસ્ટલમાં રવિવારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસને 30 સૂતળી બોમ્બ, બે કારતૂસ અને બે બંદૂક મળી હતી. વિદ્યાર્થીઓમાં બે જૂથો વચ્ચે થયેલા ઝઘડાની માહિતી મળ્યા પછી પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. અહીં હોસ્ટેલમાં આટલી મોટી વિસ્ફોટક સામ્રગી મળ્યા પછી હડકંપ મચ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ઝઘડાની સૂચના મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી હતી. એ દરમ્યાન 30 સૂતળી બોમ્બ, બે બંદૂક અને બે કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. આ હોસ્ટેલના એક રૂમમાં ઉમેશ પાલ હત્યાકાંડનો એક આરોપી સદાકત ખાન રહેતો હતો. આ હત્યાકાંડ પછી પોલીસે ખુલાસો કર્યો હતો કે આ હોસ્ટેલના રૂમ નંબર 36માં મીટિંગમાં ષડયંત્ર રચાયું હતું.

આ ઘટનામાં સામેલ સદાકત ખાન ગાઝીપુરનો રહેવાસી હતો. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ પ્રયાગરાજ કોર્ટમાં સાક્ષી આપીને પરત ફરી રહ્યો હતો. એ દરમ્યાન એના પર માફિયા ડોન અતીક અહમદના સાથીઓએ હુમલો કરી દીધો હતો, જેમાં તેનું મોત થયો હતો. ડોન અતીક અહમદનો ત્રીજો પુત્ર આ હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકર્તા હતો. પોલીસે ત્યાર બાદ એક-એક કરીને બધા આરોપીઓને એન્કાઉન્ટરમાં ઢેર કરી દીધો હતો.