જ્યારે રતન ટાટાનું ગેન્ગસ્ટર સાથે ઘર્ષણ થયું હતું, જાણો…

નવી દિલ્હીઃ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગેન્ગસ્ટર સાથે સંઘર્ષ કરવાનું ટાળે છે, પણ કોઈ કંપની અથવા ગ્રુપના ચેરમેન કોઈ ગેન્ગસ્ટરની સામે થઈ જાય તો? આવી વિકટ પરિસ્થિતિમાં દેશના ટોચના ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કંપનીના કામદારો માટે ગેન્ગસ્ટરનો સામનો કર્યો હતો, જેથી કામદારોની વચ્ચે તેમની શાખ ખૂબ વધી ગઈ હતી. 

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ પ્રારંભના દિવસોમાં ટાટા મોટર્સના વેપારમાં અડચણરૂપ બનતા ગેન્ગસ્ટરને અટકાવવાના પ્રયાસ કર્યા હતા. જેને લઈને ઘણો વિવાદ થયો હતો, પરંતુ ટાટાએ હિંમતથી આ સ્થિતિનો સામનો કર્યો હતો અને છેલ્લે એ ગેન્ગસ્ટર પકડાઈ ગયો હતો. આને લઈને એક વિડિયોમાં ટાટાએ પોતાના નિર્ણયને લઈને કહ્યું હતું કે તેમને આ વાતનો કોઈ પસ્તાવો નથી. આ વિડિયો કોલમ્બિયા બિઝનેસ સ્કૂલે 2015માં જારી કર્યો હતો અને ફરી એક વાર એક ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.રતન ટાટા જ્યારે ચેરમેન બન્યા હતા, એના 15 દિવસ પછી ટાટા મોટર્સમાં યુનિયનમાં ભારે ધમાકો થયો હતો. તેમણે કહ્યું હતું કે એ બહારનો શખસ હતો, જે ગેન્ગસ્ટર હતો. તેણે નક્કી કર્યું હતું કે યુનિયન પાસે મબલક નાણાં છે અને એના પર કબજો જમાવવો છે. તેને 200 લોકોનો સપોર્ટ હતો, જે ફૂટ પાડવામાં, મારપીટ કરવામાં અને ડરાવવા-ધમકાવવા માટે આગળ હતા.

બીજી બાજુ પ્લાન્ટમાં આશરે 4000 લોકો એવા હતા, જેમને આ બધામાં કોઈ રસ નહોતો. ટાટાએ જણાવ્યું હતું કે તેમને સલાહ આપવામાં આવી હતી કે ગેન્ગસ્ટરને ખુશ રાખવામાં આવે, પણ તેમને તેનો સામનો કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એ ગેન્ગસ્ટર યુનિયન પર કબજો જમાવવા ઇચ્છતો હતો અને અમે એને એમ કરવા નહોતા દેવા માગતા. એ ગેન્ગસ્ટરે દબદબો વધારવા માટે કંપનીમાં હડતાળનું આહવાન કર્યું હતું. જે પછી પ્લાન્ટ અને કર્મચારીઓની સુરક્ષાના ડરે કામ બંધ કરવું પડ્યું હતું. ત્યાર બાદ ટાટા પ્લાન્ટમાં રોકાયા હતા અને કામદારોને કામ માટે પ્રોત્સાહિત કર્યા હતા. એ પછી ગેન્ગસ્ટરની ધરપકડ થઈ હતી.

હાલમાં જ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને ‘ઉદ્યોગ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર વ્યક્તિગત રીતે મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દ્વારા આપવામાં આવ્યો હતો.