બંગલાના લિલામ મામલે સની દેઓલે મૌન તોડ્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અને પંજાબના ગુરદાસપુરમાં ભાજપના લોકસભા સદસ્ય સની દેઓલ મુંબઈના જુહૂ વિસ્તારસ્થિત એમના એક બંગલાના ઈ-ઓક્શનના વિવાદમાં સપડાયા છે. દેઓલની માલિકીનો ‘સની વિલા’ બંગલો જુહૂ વિસ્તારમાં આવેલો છે અને તેનું આવતી 25 સપ્ટેમ્બરે ઈ-ઓક્શન કરવાની બેન્ક ઓફ બરોડાએ જાહેરાત કરતાં વિવાદ પ્રકાશમાં આવ્યો છે. અહેવાલો અનુસાર, દેઓલે 2022ના ડિસેમ્બરમાં બેન્ક ઓફ બરોડા પાસે પોતાનો ઉક્ત બંગલો ગિરવે મૂકીને રૂ. 55.99 કરોડની લોન લીધી હતી, પરંતુ તેઓ લોનની રકમ પરત કરી ન શકતા બેન્કે એમના બંગલાની હરાજી કરવાનું નક્કી કર્યું હતું અને ઓક્શન માટે રૂ. 51.43 કરોડની રિઝર્વ કિંમત ફિક્સ કરી હોવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. પરંતુ આજે બેન્કે કહ્યું છે કે તેણે હરાજીની નોટિસને ટેકનિકલ કારણોસર પાછી ખેંચી લીધી છે.

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ હાલમાં જ થિયેટરોમાં રિલીઝ થઈ છે અને તેણે બોક્સ ઓફિસ પર ધરખમ સફળતા હાંસલ કરી છે. બંગલાની હરાજીના મુદ્દે એક ટીવી ચેનલે પૂછેલા એક સવાલના જવાબમાં દેઓલે કહ્યું કે, ‘આ બાબતને ઉકેલવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.’