લખનઉ – ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના એક ગામના વતની મુસ્લિમ દંપતીએ એના નવજાત પુત્રનું નામ ‘નરેન્દ્ર મોદી’ રાખ્યું છે. હાલમાં જ સમાપ્ત થયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઝળહળતી જીતની ઉજવણી રૂપે પતિ-પત્નીએ એમનાં પુત્રનું નામ ‘નરેન્દ્ર મોદી’ રાખ્યું છે.
પુત્રની માતા મિનાજ બેગમે સમાચાર સંસ્થાને કહ્યું કે મારી ઈચ્છા છે કે અમારો પુત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદર્શોનું અનુકરણ કરે. મારા પુત્રનો જન્મ 23 મેએ થયો હતો. મેં દુબઈ ગયેલા મારા પતિને ફોન કર્યો હતો અને એમણે પૂછ્યું હતું કે, ‘શું નરેન્દ્ર મોદી ચૂંટણીમાં જીતી ગયા? એટલે મેં મારાં પુત્રનું નામ નરેન્દ્ર મોદી રાખ્યું. હું ઈચ્છું છું કે મારો પુત્ર મોદીજીની જેમ સારા કામો કરે અને એમની જેમ સફળ વ્યક્તિ બને.
સરસ રીતે રાજ કરવા બદલ વડા પ્રધાન મોદીની મિનાજ બેગમે પ્રશંસા કરી હતી અને એવી આશા વ્યક્ત કરી છે કે એમની નવી સરકારની યોજનાઓથી પોતાને લાંબા ગાળે લાભ થશે.
વડા પ્રધાને શનિવારે નવી દિલ્હીના સંસદભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)નાં નવા ચૂંટાયેલા સંસદસભ્યોને કરેલા સંબોધનમાં નવું સૂત્ર આપ્યું હતું ‘NARA’, ‘નેશનલ એમ્બિશન, રીજનલ એસ્પિરેશન’ અર્થાત રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા, પ્રાદેશિક આકાંક્ષા. આ સૂત્ર દ્વારા એમણે સંકેત આપ્યો છે કે એમની સરકાર ભવિષ્યમાં પ્રાદેશિક સ્તરે લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે.
આ બેઠકમાં મોદીને એનડીએના સર્વાનુમત નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
મોદીને ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.
મોદીના શપથવિધિ કાર્યક્રમની તારીખની હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.