અમેઠીમાં ભાજપના વિશ્વાસુ કાર્યકર્તા સુરેન્દ્રસિંહની હત્યાઃ સ્મૃતિ ઈરાનીએ અંતિમયાત્રા વખતે એમની અર્થીને કાંધ આપી

0
2634

અમેઠી (ઉત્તર પ્રદેશ) – કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જ્યાંથી આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને હરાવીને સંસદસભ્ય બન્યાં છે તે અમેઠી મતવિસ્તારના બરૌલી ગામનાં વતની, ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસુ કાર્યકર્તા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની ગઈ કાલે હત્યા કરાયા બાદ આજે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

એમની અંતિમ યાત્રામાં સ્મૃતિ ઈરાની પણ જોડાયાં હતાં એટલું જ નહીં, પણ સુરેન્દ્ર સિંહની અર્થીને કાંધ પણ આપી હતી.

સુરેન્દ્ર સિંહની પ્રચાર વખતની તસવીર

સુરેન્દ્ર સિંહ ચૂંટણી દરમિયાન સ્મૃતિ ઈરાનીનાં નિકટનાં સહયોગી હતા. સમગ્ર પ્રચારકાર્ય વખતે એ સ્મૃતિની સાથે જ રહ્યા હતા. શનિવારે રાતે એમની તેમના ઘરમાં અજ્ઞાત શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી.

સ્મૃતિ ઈરાનીને આ ઘટનાની ખબર પડતાં જ તેઓ આજે બરૌલી ગયાં હતાં અને મૃતક કાર્યકર્તાના પરિવારજનોને મળ્યાં હતાં. એમણે સુરેન્દ્ર સિંહના પાર્થિવ શરીર પર પુષ્પ ચડાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સ્મૃતિ ઈરાની સાથે ભાજપના ઉ.પ્ર. રાજ્ય માટેના પ્રભારી મોહસિન રઝા, રાજ્યના પ્રધાન સુરેશ પાસી પણ હતા.

સુરેન્દ્ર સિંહ બરૌલી ગામના ભૂતપૂર્વ મુખીયા હતા.