લોકસભા પહોંચ્યાં 49 વર્તમાન ધારાસભ્યો, 14 રાજ્યોમાં યોજાશે પેટાચૂંટણી

નવી દિલ્હી- આ વખતેની લોકસભાની ચૂંટણીમાં 49 ધારાસભ્યો, બે વિધાનસભા કાઉન્સિલના સભ્યો અને ચાર રાજ્યસભાના સાંસદોએ જીત મેળવી છે. જેથી આગામી મહિનાઓમાં ચૂંટણી પંચને 14 રાજ્યોમાં પેટાચૂંટણી કરાવવાની જરૂર પડી શકે છે. આ યાદીમાં ઉત્તરપ્રદેશ ટોચ પર છે, અહીંથી 11 ધારાસભ્યો સાંસદો તરીકે ચૂંટાયા છે. બિહારમાં પાંચ ધારાસભ્યો અને બે વિધાનસભા પરિષદના સભ્યો સાંસદ તરીકે ચૂંટાયા છે. ગુજરાતમાં પણ 4 ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે.

કુલ 41 વિધાનસભાની બેઠકો અને બે વિધાનસભા કાઉન્સિલના સભ્યોના પદો માટે આગામી છ મહિનાની અંદર ચૂંટણીઓ યોજવામાં આવશે કારણ કે નવા ચૂંટાયેલા સાંસદોએ તેમના ધારાસભ્ય પદેથી રાજનામું આપવું પડશે. તેમાં ઓડિશાની પણ બે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે,અહીં મુખ્યપ્રધાન નવીન પટનાયકને હિંજિલી અથવા બીજાપુરથી એક બેઠક પસંદ કરવી પડશે. આ દરમિયાન મધ્ય પ્રદેશમાં છ વિધાનસભા બેઠકો, ઝારખંડમાં બે અને હરિયાણામાં એક બેઠક પર પેટાચૂંટણી નહી થાય કારણ કે આ રાજ્યોમાં આગામી છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

બીજી તરફ, એસપી-બીએસપી ગઠબંધનને આગામી 6 મહિનામાં વધુ એક ટેસ્ટમાંથી પસાર થવું પડશે. રાજ્યમાં કુલ 11 સીટો ગોવિંદનગર, ટુંદલા, લખનઊ કેન્ટ, ગંગોહ, બલ્હા, માણિકપુર, ઇગ્લાસ, જેદપુર, પ્રતાપગઢ, જલાલપુર અને રામપુરમાં પેટાચૂંટણી યોજાશે.તમને જણાવી દઈએ કે, નવા ચૂંટાયેલા સાંસદ રીતા બહુગુણા જોશી, સત્યદેવ પાચૌરી અને એસપી સિંહ યુપીની વર્તમાન યોગી સરકારમાં પ્રધાન છે.

બિહારમાં પણ પાંચ ધારાસભ્યો અને બે વિધાનસભા પરિષદ બેઠકો પર આગામી 6 મહિનામાં ચૂંટણી યોજવી પડશે. આ પાંચ બેઠકો છે – સિમરી બખ્તિયારપુર, દરૌધા, બેલ્હર, નાથનગર અને કિશનગંજ. નીતિશસરકારના ત્રણ પ્રધાનો રાજીવ રંજનસિંહ, દિનેશચંદ્ર યાદવ ( બંને જેડીયુ) અને પશુપતિ કુમાર પારસ (એલજેપી) લોકસભાની ચૂંટણી જીતી ગયાં છે. હવે તેમને તેમના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]