મુંબઈઃ ફેશન જ્વેલરી ઉદ્યોગના ભાગેડૂ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ નીરવ મોદી સામે છેતરપિંડીના કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટે મોદીની રૂ. 71.16 કરોડની કિંમતની 18 પ્રોપર્ટી પંજાબ નેશનલ બેન્કને છૂટી કરી દેવાનો કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને હૂકમ કર્યો છે. મોદી તથા એમના મામા મેહુલ ચોક્સીએ કરેલી છેતરપિંડીને કારણે પંજાબ નેશનલ બેન્કને ગયેલી મોટી આર્થિક ખોટની ભરપાઈ મોદીની પ્રોપર્ટીઓના વેચાણથી કરવામાં આવશે. ઈડી એજન્સીએ મોદીની આ પ્રોપર્ટી પર હાલ ટાંચ મારી છે અને ભાગેડૂ આર્થિક અપરાધી કાયદા અંતર્ગત એને કબજામાં લેવામાં આવનાર હતી.
આ પ્રોપર્ટીઓમાં મોદીની કંપનીઓએ હોંગકોંગમાંથી મેળવેલી રૂ. 22.69 કરોડની કિંમતી ચીજવસ્તુઓ, દુબઈમાંથી મેળવેલી રૂ.18.76 કરોડની કિંમતી ચીજો, રૂ. 35.52 લાખની કિંમતનું ઝવેરાત, મુંબઈના કુર્લા ઉપનગરમાં કોહિનૂર સિટી સંકુલમાં રૂ. 24.63 કરોડની કિંમતની એક ઓફિસ, બેન્ટ્લે સહિત રૂ. 26 લાખની કિંમતની 8 કાર, રૂ. 9.80 લાખની કિંમતનું ફોર્સ મોટર ટ્રાવેલર અને રૂ. 2.25 લાખની અલ્ટો કારનો સમાવેશ થાય છે.
પંજાબ નેશનલ બેન્કે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી કે તે ઈડી એજન્સીને આ 18 પ્રોપર્ટી જપ્ત કરતા રોકે, કારણ કે આ એ જ પ્રોપર્ટીઓ છે જે મોદી-ચોક્સીએ ગીરવી મૂકી હતી. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબી પાસેથી લોન માટે ગેરકાયદેસર રીતે 65 LOU (બેન્ક ગારન્ટી) મેળવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
મોદીને ભાગેડૂ ઘોષિત કર્યા બાદ ઈડી એજન્સીએ એમની રૂ. 13,96.07 કરોડની કિંમતની પ્રોપર્ટી જપ્ત કરવાની માગણી કરી છે. આ પ્રોપર્ટીઓ માટે કોણ દાવો કરી શકે એની અરજીઓ પર વિશેષ અદાલત સુનાવણી કરી રહી છે.