મુંબઈઃ પત્રા ચાલ જમીન કૌભાંડ પ્રકરણના સંબંધમાં શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતની આજે 9 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ એમને અટકમાં લીધા હતા. પૂર્વ મુંબઈના ભાંડુપ ઉપનગરમાં રાઉતના નિવાસસ્થાન ‘મૈત્રી’ ખાતે ઈડી અધિકારીઓએ આજે સવારે 7 વાગ્યે દરોડો પાડ્યો હતો અને એમની પૂછપરછ શરૂ કરી હતી તથા ઝડતીઓ લેવાનું શરૂ કર્યું હતું. રાઉતે ઈડી અમલદારોને કહ્યું હતું કે પોતે કોઈ કૌભાંડમાં સંડોવાયેલા નથી.
પત્રા ચાલ પ્રકરણના સંદર્ભમાં ઈડી દ્વારા રાઉતને અમુક મહિના પૂર્વે સમન્સ મોકલવામાં આવ્યું હતું. આજે એજન્સીએ કાર્યવાહી હાથ ધરી હતી. સવારથી જ રાઉતના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવ્યા હતા ત્યારથી જ શંકા ગઈ હતી કે રાઉતને આજે અટકમાં લેવામાં આવી શકે છે.
આ કેસ ગોરેગાંવ ઉપનગરની પત્રા ચાલ માટે જમીન ફાળવણીમાં કરવામાં આવેલા રૂ. 1,034 કરોડના કૌભાંડને લગતો છે. આ પ્લોટ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ની માલિકીનો છે. એવો આરોપ છે કે રિયલ એસ્ટેટ વેપારી પ્રવીણ રાઉતે પત્રા ચાલના રહેવાસીઓ સાથે દગો કર્યો છે. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ પ્લોટ પર 3,000 ફ્લેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. એમાંના 672 ફ્લેટ ત્યાં પહેલેથી જ રહેતા લોકોને આપવાના હતા. બાકીના ફ્લેટ મ્હાડા તથા કન્સ્ટ્રક્શન કંપનીને આપવાના હતા, પરંતુ 2011માં આ વિશાળ પ્લોટનો અમુક હિસ્સો બીજા બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો હતો. 2020માં, મહારાષ્ટ્રમાં પીએમસી બેન્ક કૌભાંડમાં તપાસ ચાલતી હતી ત્યારે પ્રવીણ રાઉતની કન્સ્ટ્રક્શન કંપનીનું નામ બહાર આવ્યું હતું. ત્યારે એવું માલુમ પડ્યું હોવાનું કહેવાય છે કે બિલ્ડરની પત્નીના બેન્ક ખાતામાંથી સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને રૂ. 55 લાખની લોન આપવામાં આવી હતી. ED અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ સોદો શા માટે કરવામાં આવ્યો હતો.