મંકીપોક્સ પરિસ્થિતિ પર દેખરેખ રાખવા ટાસ્ક-ફોર્સની રચના

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સ વાઈરસના કેસ નોંધાયાના સંદર્ભમાં આ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે કેન્દ્ર સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ દેશભરમાં નિદાન સુવિધાઓનું વિસ્તરણ કરવા તથા આ રોગ સામેના રસીકરણની સંભાવના ચકાસવા માટે સરકારને માર્ગદર્શન પૂરું પાડશે.

ટાસ્ક ફોર્સની આગેવાની નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પૌલ (આરોગ્ય)એ લીધી છે અને તેમાં સભ્યો તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી, ઉપરાંત ફાર્મા તથા બાયોટેક ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં ચાર કેસ નોંધાયા છે. ત્રણ કેરળમાં અને એક દિલ્હીમાં. કેરળમાં મંકીપોક્સ જેવા લક્ષણો ધરાવતા એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. એ વિશે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરાવી છે. મંકીપોક્સ રોગ શીતળા (સ્મોલપોક્સ) રોગના વર્ગનો છે. આ પશ્ચિમ તથા મધ્ય આફ્રિકામાં જોવા મળ્યો હતો, બાદમાં અન્ય દેશોમાં પણ ફેલાયો છે.