નવી દિલ્હીઃ પુણે પોર્શે કાંડ પછી હિટ એન્ડ રનનો એક વધુ હેરાન કરતો કેસ તામિલનાડુના ચેન્નઈમાં બન્યો છે. રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવની પુત્રીએ BMW કારથી ફૂટપાથ પર સૂઈ રહેલી એક વ્યક્તિને કચડી મારી છે. આ દુર્ઘટનામાં વ્યક્તિએ થોડી વાર પછી દમ તોડ્યો હતો, જ્યારે મહિલાને તરત જામીન પણ મળી ગયા છે.
YSR કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવનાં પુત્રી માધુરી તેના મિત્ર સાથે BMW ચલાવી રહી હતી. કારે 24 વર્ષીય પેઇન્ટર સૂર્યાને કચડી માર્યો છે, જે ચેન્નઈના બેસેન્ટ નગરમાં ફૂટપાથ પર નશાની હાલતમાં સૂઈ રહ્યો હતો, એમ અહેવાલ કહે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે માધુરી અકસ્માત પછી તરત ઘટનાસ્થળથી ભાગી ગઈ હતી, પણ તેની મિત્ર ત્યાં જ ઊભી રહી હતી. આ અકસ્માતને લીધે ઘટનાસ્થળે લોકો જમા થયા હતા, જેમનાથી તેની મિત્ર વાદવિવાદ કરવા લાગી હતી. તે પણ થોડી વાર પછી ચાલી ગઈ હતી. કેટલાક લોકોએ સૂર્યાને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
અહેવાલ અનુસાર સૂર્યાનાં લગ્ન આઠ મહિના પહેલાં થયાં હતાં. તેનાં સગાંસંબંધી અને કોલોનીના લોકો કાર્યવાહીની માગ સાથે J-5 શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન પાસે જમા થયા હતા. CCTV ફુટેજની તપાસમાં પોલીસને માલૂમ પડ્યું હતું કે કાર BMR (બીડા મસ્તાન રાવ) ગ્રુપની છે અને પુડુચેરીમાં નોંધાયેલી છે.
આ અકસ્માત પછી માધુરીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ સ્ટેશનથી તેને તરત જામીન પણ મળી ગયા હતા. રાવ 2022માં રાજ્યસભા સાંસદ બન્યા છે. તેઓ વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે. BMR ગ્રુપ સીફૂડ ઇન્ડસ્ટ્રીઝ એક આગળ પડતું નામ છે.