નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ નૈઋત્યનું ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ પર બેસી ગયું છે. આ સાથે જ ત્યાં ચાર-મહિનાની વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. બંને ટાપુઓ તથા તેમની આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. નૈઋત્ય ખૂણેથી પવનની ગતિ પણ સારી એવી છે અને ટાપુઓ પરનું આકાશ વાદળોથી છવાઈ ગયું છે.
વેધર બુલેટિનમાં જણાવાયું છે કે, નૈઋત્યનું ચોમાસું બંગાળના અખાતના દક્ષિણ ભાગમાં પણ પ્રવેશી ગયું છે. ચોમાસું હવે આવતા બે-ત્રણ દિવસોમાં વધુ વિસ્તારોમાં પ્રવેશ કરે એવી ધારણા છે. કેરળમાં ચોમાસું પાંચ દિવસ વહેલું, 27 મેએ બેસે એવી ધારણા છે.
બંગાળના અખાત પરના આકાશમાં હાલમાં સર્જાયેલા વાવાઝોડા અસાનીના અવશેષોને કારણે ચોમાસા માટે અનુકૂળ મોસમની સ્થિતિ સર્જાઈ છે.