તિરુવનંતપુરમઃ કેરળમાં નૈઋત્યનું ચોમાસું સોમવારથી વિધિવત્ રીતે બેસી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું સમયસર ભારતમાં આવ્યું છે. હવામાન વિભાગે 1 જૂનથી કેરળમાં ચોમાસાની શરુઆત થવાની આગાહી કરી હતી. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ એમ.રાજીવને જણાવ્યું કે, સારા ચોમાસા માટે પરિસ્થિતિઓ અનુકુળ થઈ રહી છે. એટલા માટે જૂનથી સપ્ટેમ્બર સુધી થનારો વરસાદ 102 ટકા જેટલો થશે. નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થોડો ઓછો પડી રહ્યો છે. આ વર્ષે અહીંયા આશરે 96 ટકા જેટલો વરસાદ થશે.
ગત વર્ષે ભારતમાં 8 જૂનના રોજ ચોમાસું કેરળના સમુદ્ર તટ સાથે આવી પહોંચ્યું હતું. આ વર્ષે હવામાન વિભાગે સરેરાશ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, 96 થી 100 ટકા વરસાદ સરેરાશ માનવામાં આવે છે. આ પહેલા એક પ્રાઈવેટ વેધર એજન્સીએ દાવો કર્યો હતો કે, ભારતમાં ચોમાસું 30 મેના રોજ આવી ગયું છે. સ્કાઈમેટે પહેલા 28 જૂનના રોજ ચોમાસાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. જો કે, આમાં 2 દિવસનું માર્જિન પણ વ્યક્ત કર્યું હતું. જો કે, હવામાન વિભાગે સતત 1 જૂનના દિવસે જ ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગ અનુસાર, ચોમાસુ કેરળ, લક્ષદ્વિપ, અને અંડમાન પહોંચી ગયું છે જ્યારે એકથી પાંચ જૂન સુધીમાં તે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં પહોંચશે. 5 જૂનથી 10 જૂન વચ્ચે ચોમાસુ મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સુધી પહોંચશે અને 10 થી 15 જૂન સુધી આખા મહારાષ્ટ્ર સાથે ઓડિશા, છત્તિસગઢ, મધ્યપ્રદેશ સાથે જ ઝારખંડ અને બિહાર સુધી પહોંચશે.
ત્યારબાદ ચોમાસુ 15 થી 20 જૂન સુધીમાં ગુજરાત,છત્તિસગઢ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સુધી પહોંચી જશે. તો 20 થી 25 જૂન વચ્ચે આખા ગુજરાતની સાથે જ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ અને કાશ્મીરમાં ચોમાસાનું આગમન થશે. 25 થી 30 જૂન વચ્ચે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબને કવર કરતા 30 જૂનથી 5 જૂલાઈ સુધી આખા ભારતમાં વરસાદ થશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું મંગળવારથી રાજ્યમાં સક્રિય થશે. આગામી દિવસોમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ પડશે. કોઝીકોડે શહેર માટે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરાયું છે. તો કોલ્લમ, એર્નાકુલમ, ત્રિચુર, ઈડુક્કી જેવા શહેરો માટે યેલો એલર્ટ છે.