નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળાને કારણે સ્થિતિ બેકાબૂ છે. ઓક્સિજનની અછતને લીધે સેંકડો દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની સભાને રદ કરીને શુક્રવારે ઓક્સિજનના સપ્લાય જેવા મુદ્દે મહત્ત્વની બેઠકો કરી હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં દિલ્હીની મોટી હોસ્પિટલોમાં સામેલ સર ગંગારામ હોસ્પિટલમાં ગંભીરરૂપે બીમાર 25 કોરોના દર્દીઓનાં ઓક્સિજનની અછતને લીધે મોત થયાં છે. હોસ્પિટલ પાસે બે કલાક ચાલે એટલો ઓક્સિજન બચ્યો છે અને 60 દર્દીઓના જીવ જોખમમાં છે. હોસ્પિટલે કહ્યું છે કે ઓક્સિજન એરલિફ્ટ કરવામાં એની મદદ કરવામાં આવે. ઓક્સિજનના પ્રેશરમાં ઘટાડાને કારણે દર્દીઓનાં મોત થાય એવી શક્યતા છે.
વડા પ્રધાન મોદીની બેઠકોમાં સૌથી મોટો મુદ્દો હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાની વ્યવસ્થા કરવાનો હતો. વડા પ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા એ બધા રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વાત કરી કહી, જ્યાં કોરોના સંક્રમણ વધુ ફેલાયું છે. આ બેઠકમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઓક્સિજનની અછતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે હાલ દિલ્હીમાં ઓક્સિજનનું બહુ મોટું સંકટ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે દિલ્હીનો ઓક્સિજનનો ક્વોટા વધાર્યો એ માટે વડા પ્રધાનનો કેજરીવાલે આભાર માન્યો હતો.
વડા પ્રધાનની સાથે આ બેઠકમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, તામિલનાડુ અને કેરળના મુખ્ય પ્રધાનોએ વાત કરી કરી હતી.