નવી દિલ્હીઃ દેશમાં 31 મેએ કોરોના-લોકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે સૌથી મોટો સવાલ લોકોને એ જ સતાવે છે કે, શું 31 મે પછી લોકડાઉનને ફરીથી લંબાવવામાં આવશે? આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે આજે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. શાહે ગુરુવારના રોજ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન મુદ્દે ચર્ચા કરી હતી. મોટાભાગના મુુખ્ય પ્રધાનોનો મત હતો કે, લોકડાઉન હજી લંબાવવું જોઈએ, પરંતુ છૂટછાટો સાથે.
કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશમાં પ્રથમવાર 25 માર્ચના લોજ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી સતત આ ચોથા ચરણ સુધી પહોંચી ગયું છે અને જેટલીવાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, તેના પહેલા જે અભ્યાસ કરવામાં આવ્યો તે લોકડાઉન 4 ખતમ થયા પહેલા ફરી એકવાર શરુ કરી દેવામાં આવ્યો છે. આનાથી લાગે છે કે, લોકડાઉન ફરી વધી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારે આ મામલે બે મહત્વની બેઠકો કરી છે.
- શું ફરીથી લોકડાઉન આગળ વધશે?
- પીએમ કાર્યાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે.મિશ્રાએ એમપાવર્ડ ગ્રુપની મીટિંગ બોલાવી હતી
- એમપાવર્ડ ગ્રુપ લોકડાઉનમાં કેવી રીતે કામ થશે તે મામલે સરકારને સલાહ આપે છે.
- કોવિડ 19 માટે સરકારે આ 11 એમપાવર્ડ ગ્રુપ બનાવ્યા છે.
- બીજી બેઠક કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી
- બેઠકમાં જ્યાં સૌથી વધારે કેસ છે, તે શહેરોના કમિશ્નરો સાથે વાત થઈ
લોકડાઉન 5.0 ની જાહેરાત થશે કે નહી અને થશે તો કેવી રીતે થશે તે હજી સ્પષ્ટ નથી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે જાણકારી મળી રહી છે, તે અનુસાર દેશમાં જે શહેરોમાં કોરોનાના કેસ તેજીથી વધી રહ્યા છે ત્યાં જ નવી ગાઈડલાઈન આવી શકે છે. અનુમાન છે કે, લોકડાઉન 5 જો લાગુ થશે તો સૌથી વધારે અસર મોટા શહેરોમાં જોવા મળી શકે છે.
- લોકડાઉન 5.0 ની સૌથી વધારે અસર મોટા શહેરોમાં જોવા મળશે
- દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે, ઠાણે, ઈન્દોરમાં લોકડાઉન 5.0 ની અસર જોવા મળી શકે છે
- આ સિવાય ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત, કોલકત્તામાં પણ અસર જોવા મળશે
આ એવા શહેરો છે કે, જ્યાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ કેન્દ્ર સરકાર એ તમામ રાજ્ય સરકારોને અધિકાર આપી શકે છે કે, રાજ્યમાં કઈ વસ્તુઓ પર છૂટ મળશે અને કઈ વસ્તુઓ પર બેન રહેશે.
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો બાદ કેન્દ્ર સરકાર કેટલાક નિયમોને લાગુ કરી શકે છે. કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે. અનુમાન છે કે, રેડ ઝોનને નવી રીતે પરિભાષિત કરવામાં આવશે જેમાં જિલ્લા પ્રશાસનની મહત્વની ભૂમિકા હશે.