નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટને લઈને સીતારમણ અનેક અર્થશાસ્ત્રીઓ, ટોચના ઉદ્યોગપતિઓ, ખેડૂતો તેમજ અન્ય સંગઠનો સાથે બેઠક કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બજેટને લઈને વ્યક્તિગત રસ લઇ રહ્યા છે. બજેટ થકી આગામી સમયમાં એશિયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવાનો મોદી સરકારનો પ્રયત્ન રહેશે.
દેશને સ્લોડાઉનની ઝપેટમાંથી બહાર કાઢીને ફરી પાટા પર લાવવા માટે સીતારમણનું આ બજેટ અનેક રીતે મહત્વપૂર્ણ રહેશે. આ વખતે આ બજેટને લઈને સરકારની આવક અને ખર્ચના લેખા જોખા તૈયાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવી રહેલા પાંચ વ્યક્તિઓ અંગે જાણવાનું રસપ્રદ બની રહેશે. કોણ છે આ પાંચ અધિકારી?
રાજીવ કુમાર (નાણા સચિવ)
રાજીવ કુમાર નાણા મંત્રાલયના ટોચના અધિકારી છે. કુમાર ઝારખંડ કેડરના 1984ની બેન્ચના આઈએએસ અધિકારી છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ સરકારે બેંકિંગ વ્યવસ્થામાં સુધારા સંબંધિત અનેક મહત્વના પગલા લીધા છે. જેમાં સરકારી બેંકનું મર્જર અને દેવામાં ડુબેલ બેંકોમાં ફંડિંગ કરવા જેવા ઉપાયો સામેલ છે. આ વખતે આશા છે કે, બજેટમાં બેંકિંગ સેક્ટરને સંકટમાંથી ઉગારવા તેમજ અર્થવ્યવસ્થામાં વપરાશને પ્રોત્સાહન આપવા માટે તેમણે જરૂરી સૂચનો આપ્યા હોય.
અતનુ ચક્રવર્તી(આર્થિક બાબતોના સચિવ)
અતનુ ચક્રવર્તી પાસે સરકારી પરિસંપત્તિઓના ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કુશળતા છે. બજેટ બનાવવામાં ચક્રવર્તીની મહત્વની ભૂમિકા છે, કારણ કે હાલમાં જ જ્યારે આર્થિક વૃદ્ધિની ગતિ પાંચ ટકાથી નીચે જતી રહી હતી ત્યારે ચક્રવર્તીની અધ્યક્ષતામાં જ એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ દેશના અર્થતંત્રને ફરી પાટા પર લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડોલરના રોકાણની રૂપરેખા તૈયાર કરી હતી. તેમનું મંતવ્ય ભારતને બજેટ સંબંધી નુકસાનીને નક્કી કરવાની દ્રષ્ટીએ ઘણું મહત્વનું રહેશે. આ ઉપરાંત અર્થતંત્રમાં પૂંજી નાખવા સંબંધિત તેમના સૂચનો જરૂરી બની રહેશે.
ટી.વી. સોમનાથન (એક્સપેન્ડિચર સેક્રેટરી)
સોમનાથનની નાણા મંત્રાલયમાં તાજેતરમાં જ એન્ટ્રી થઈ છે. તેમનું કામ સરકારના ખર્ચાઓમાં ઘટાડો કરવાનું છે જેથી માંગમાં વૃદ્ધિ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. જોકે, તેમના પર બીનજરૂરી ખર્ચાઓને અલગ તારવવાની પણ જવાબદારી છે. તે અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે, એટલા માટે સોમનાથન એ સ્પષ્ટ રીતે જાણે છે કે, મોદી કયા પ્રકારનું બજેટ ઈચ્છે છે.
અજય ભૂષણ પાંડેય(રાજસ્વ સચિવ)
અજય ભૂષણ પર મહેસૂલ એટલે કે, સંસાધનોને પ્રોત્સાહન આપવાની જવાબદારી છે. સ્લોડાઉનની મુશ્કેલી વચ્ચે મહેસૂલમાં ઘટાડાનું અનુમાન વચ્ચે સંભવત: તેમની જવાબદારી સૌથી મુશ્કેલ છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો પછી અત્યાર સુધીમાં ટેક્સ કલેક્શનમાં વધારો થાય એ પ્રકારનું રોકાણ નથી આવ્યું. તે ડાયરેક્ટ ટેક્સ કોડમાં કેટલીક દરખાસ્તો અપનાવવા અંગે પોતાનો અભિપ્રાય આપી શકે છે.
તુહીનકાંત પાંડે(ડિસઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી)
તુહીનકાંત પાસે એર ઈન્ડિયા અને અન્ય સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટની જવાબદારી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત આ લક્ષ્યો ઘણા મહત્વપૂર્ણ છે. જોકે, આ વર્ષે સરકાર 1.05 ટ્રિલિયન રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મોટા અંતરથી ચૂકી જશે એવી સંભાવના છે. આગામી વર્ષના લક્ષ્યની દ્રષ્ટીએ તુહીનકાંતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.