દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામની ધરપકડ: રાજકારણ ગરમાયું

પટના:  જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ના વિદ્યાર્થી શરજીલ ઇમામની બિહારના જહાનાબાદથી દિલ્હી પોલીસે મંગળવારે ધરપકડ કરી છે. આ પહેલા સોમવારે રાત્રે પોલીસે શરજીલના ભાઈ અને મિત્રની અટકાયત કરી પૂછપરછ કરી હતી. હવે દિલ્હી પોલીસ શરજીલને જહાનાબાદ કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લઈ જશે. શરજીલ પર દેશવિરોધી નિવેદનો આપવાના આરોપ હેઠળ દિલ્હી સહિત છ રાજ્યોમાં કેસ નોંધાયો છે. શરજીલનો પરિવાર મજબૂત રાજકીય કનેક્શન પણ ધરાવે છે.

શરજીલે તેમના એક ભાષણમાં અસમ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતને દેશમાંથી અલગ પાડવાની વાત કહી હતી. તેનો આ વીડિયો વાયરલ થયા પછી તેની વિરુદ્ધ દેશદ્રોહ તેમજ ધર્મના આધાર પર અશાંતિ ફેલાવવા સહિતના ગંભીર આરોપો હેઠળ છ રાજ્યોમાં એફઆઈઆર નોંધાઈ છે.  શરજીલની ધરપકડને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દેશ વિરુદ્ધ કોઈપણ પગલું સ્વીકારી લેવામાં નહીં આવે. આ મામલે કાયદો તેનું કામ કરશે.

શરજીલ ઇમામે શાહીન બાગમાં આપેલા વિવાદિત નિવેદન પછી શાહીનબાગ કમિટીએ તેને પદ પરથી હટાવી દીધો હતો. શરજીલે કહ્યું હતું કે જો આપણે સીએએનો વિરોધ યોગ્ય રીતે કરવો હોય તો ઉત્તર પૂર્વી ભાગને ભારતથી અલગ કરવો પડશે અને આ માટે ચક્કાજામ કરવું પડશે. તેના આ વીડિયો બાદ ભાજપના નેતાઓએ તેને ખૂબ શેર કર્યો હતો અને ભારતના ભાગલા પાડવા માગતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર શરજીલની જહાનાબાદના કાકો થાણા વિસ્તાર સ્થિત એક મસ્જિદમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોમવારે શરજીલના ઘરે પોલીસે છાપેમારી કરી હતી જ્યાં શરજીલ વિરુદ્ધ મહત્વના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. આ બધા વચ્ચે શરજીલ મામલે જેએનયુ પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. જેએનયુના પ્રોક્ટરે શરજીલને સમન પાઠવીને દેશદ્રોહના આરોપોને લઈને ત્રણ ફેબ્રુઆરી સુધીમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે.

શરજીલ બિહારના જહાનાબાદનો રહેવાસી છે તેના પિતા અકબર ઈમામ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના નેતા રહી ચૂક્યા છે. અકબર ઈમામ જેડીયુની ટિકિટ પર જહાનાબાદથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. શરજીલનો એક નાના ભાઈ પણ છે, જેનો જહાનાબાદથી પૂર્વ સાંસદ અરુણ કુમાર સાથે નજીકના સંબંધ છે. તે પૂર્વ સાંસદ સાથે જ રહે છે.

શરજીલના કાકા અરશદ ઈમામ આ સમગ્ર ઘટનાક્રમને રાજકીય નજરે જોઈ રહ્યા છે. તે કહે છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે તેમના ભત્રીજા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. 40 મિનિટના વિડિયોને એડિટ કરીને અધૂરી વાત લોકો સમક્ષ મૂકવામાં આવી રહી છે. શરજીલની માતા પણ તેમના પુત્રને નિર્દોષ ગણાવે છે. તે કહે છે કે, તેમના પરિવારને દેશના બંધારણ પર વિશ્વાસ છે.