કેજરીવાલ સરકારમાં મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી રાજકુમાર આનંદે મંત્રીપદથી રાજીનામું આપી દીધું છે. તેમણે મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમની પાસે સમાજ કલ્યાણની જવાબદારી હતી. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી.

 મિડિયાથી વાતચીતમાં રાજકુમાર આનંદે કહ્યું હતું કે હું રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં મંત્રી છું. મારી પાસે સાત પોર્ટફોલિયો છે, પણ આજે હું બહુ વ્યથિત છું, એટલા માટે હું આજે તમને મારુ દુઃખ વહેંચવા આવ્યો છું. હું રાજકારણમાં ત્યારે આવ્યો હતો, જ્યારે કેજરીવાલજીએ કહ્યું હતું કે રાજકારણ બદલીશું, પણ આજે મારે અફસોસ સાથે કહ્યવું પડે છે કે રાજકારણ તો નથી બદલી શક્યો પણ રાજનેતાઓ બદલાઈ ગયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલનથી થયો હતો, પરંતુ આજે પાર્ટી ખુદ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.

મારા માટે મંત્રીપદ પર રહીને આ સરકારમાં રહીને કામ અસહજ થઈ ગયું હતું. હું આ પાર્ટીમાંથી અને સરકારમાંથી રાજીનામું આપી રહ્યો છું, કેમ કે ભ્રષ્ટ આચરણોથી હું મારું નામ નથી જોડવા ઇચ્છતો. હિં નથી સમજતો કે અમારી પાસે શાસન કરવાની કોઈ નૈતિક તાકાત બચી છે.

રાજકુમાર આનંદના રાજીનામા પછી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે અને સૌરભ ભારદ્વાજે પત્રકાર પરિષદમાં ભાજપ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને જેલ મોકલીને આ લોકો પાર્ટી તોડવા અને દિલ્હી અને પંજાબ સરકાર પાડવા પ્રયાસ કરી રહ્યા છે.