નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં વચ્ચેની સીટ ખાલી રાખવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ચલાવવામાં આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં વચ્ચેની સીટ ખાલી હોવી જરુરી છે. કોર્ટે કેન્દ્ર અને એર ઈન્ડિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમને લોકોની ચિંતા કરવી જોઈએ. મધ્ય સીટને ખાલી ન રાખવાનું સર્ક્યુલર હેરાન કરનારું છે. ભારત સરકાર વંદે ભારત મિશન અંતર્ગત બીજા દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવી રહી છે. પ્રથમ ચરણ અંતર્ગત, બ્રિટનથી 2000 થી વધારે લોકોને પાછા લાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 6 જૂન સુધી જ મધ્ય સીટો પર યાત્રાની મંજૂરી હશે. કોર્ટે બોમ્બે હાઈકોર્ટને કહ્યું કે, કોરોનાને લઈને યાત્રીઓના સ્વાસ્થ્યને જોતા હાઈકોર્ટનું પ્રથમ નજરમાં નોનનોટિફાઈડ અથવા નોટિફાઈડ ફ્લાઈટ્સને લઈને કોઈ પરિણામ પર પહોંચવું જરુરી છે. સુપ્રીમ કોર્ટે મામલાને ફરીથી બોમ્બે હાઈકોર્ટને મોકલ્યો અને કહ્યું કે, આ તમામ પક્ષોને સાંભળીને આ મામલે જનહિતને ધ્યાનમાં રાખીને જલ્દી નિર્ણય કરે કે પ્રથમ નજરમાં વાયરસને ફેલાતો રોકવા માટે કયા પગલા ભરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજી પેન્ડિંગ રહેવા દરમિયાન DGCA અને એર ઈન્ડિયાના નિયમોમાં ઉચિત બદલાવ કરી શકીએ છીએ.

કેન્દ્રના વિરોધ કરવા પર કોર્ટે કહ્યું કે, કોર્ટ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે તો પછી સરકારને તકલીફ શું કરવા માટે છે? CJI એસ.એ.બોબડેએ કહ્યું કે, સરકારને નાગરિકોની ચિંતા કરવી જોઈએ ન કે એરલાઈનની. ખભે ખભો મિલાવીને યાત્રા કરવી ખતરનાક છે. વાયરસને નથી ખબર કે તે વિમાનમાં છે અને ત્યાં નથી ફેલાવાનું. જ્યારે બહાર 6 ફૂટના સામાજિક અંતરનો નિયમ છે તો પછી વિમાનની અંદર શાં માટે નહી?
