લોકડાઉનને પગલે ચા ઉદ્યોગને રૂ. 2000 કરોડનું નુકસાન

કોલકાતાઃ  કોવિડ-19ના સંક્રમણને લીધે દેશભરમાં જાહેર થયેલા લોકડાઉનને કારણે ચાના બગીચામાં ઉત્પાદન કાર્ય ખોરંભે ચઢી ગયું હતું. ઉદ્યોગના અનુસાર લોકડાઉનને કારણે દેશમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન (800 કિલો)નો ઘટાડો થવાને કારણે એના પડતર ખર્ચમાં રૂ. 60થી રૂ. 70નો વધારો થયો છે. આમ એક બાજુ પડતર ખર્ચમાં વધારો થયો છે અને બીજી બાજુ ચાના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે.  

વાર્ષિક ઉત્પાદન 1300 મિલિયન કિલોગ્રામ

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિયેશન (FAITTA)ના  ચેરમેન વીરેન શાહે કહ્યું છે કે દેશમાં ચાનું વાર્ષિક ઉત્પાદન આશરે 1300 મિલિયન કિલોગ્રામ (130 કરોડ કિલોગ્રામ) છે. લોકડાઉનને પગલે ચા બગીચામાં ઓછા મજૂરો કાર્યરત રહ્યા હતા, જેનાથી માર્ચ, એપ્રિલ અને મેમાં ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો હતો. આને લીધે 2020 વર્ષમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન (800 કિલો)નો ઘટાડો થવાનો અંદાજ છે. જેથી ઉદ્યોગને આશરે રૂ. 2000 કરોડનું નુકસાન થશે.  ફેડરેશને દેશમાં ચાનું ઉત્પાદન, પુરવઠો અને ચાની માગમાં લોકડાઉનની પ્રતિકૂળ અસરોનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું છે.

દેશમાં ચાનું વાર્ષિક વેચાણ 108 કરોડ કિલોગ્રામ

દેશમાં એક વર્ષમાં ચાનું વેચાણ આશરે 108 કરોડ કિલોગ્રામ છે, એટલે કે ચાનું માસિક વેચાણ 900 લાખ કિલોગ્રામ છે. ચાના સ્ટોલ, રેસ્ટોરાં, કેફે, હોટલ અને ઉદ્યોગોમાં ચાનું વેચાણ આશરે 40 ટકા છે, એટલે કે 360 લાખ કિલોગ્રામ ચા પીવાય છે. લોકડાઉનને કારણે ચાના વેચાણમાં 700 લાખ કિલોગ્રામથી વધુનો ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન ઘરેલુ વેચાણ વધ્યું હશે, પરંતુ બહારના વેચાણમાં ઘટાડાની ભરપાઈ માટે આ પર્યાપ્ત નથી.

 ચાની કિંમતોમાં વધારો થશે

ફેડરેશને કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને કારણે ચાની કિંમતો પાછલા વર્ષની તુલનાએ વધે એવી શક્યતા છે, પણ ફાર્મ ગેટ કિંમત (ઉત્પાદનની પડતર કિંમત)માં પ્રતિ કિલો રૂ. 60-70નો સરેરાશ વધારો વાસ્તવિક માગ અને પુરવઠાને પ્રતિબિંબિત નથી કરતો.

પડતર ખર્ચ વધ્યો અને વેચાણ ઘટ્યું

ફેડરેશને કહ્યું હતું કે ચાના ઉત્પાદનનો પડતર ખર્ચ વધ્યો છે, પણ દેશમાં લોકડાઉનને પગલે ચાના વેચાણમાં ઘટાડો થયો છે. ચાના બગીચામાં મજૂરોની ખેંચ સર્જાતાં ચાની પડતર કિંમતમાં વધારો થયો છે., જેથી ચાના પેકર્સ અને રિટેલ વિક્રેતાઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. શાહે કહ્યું છે કે દેશમાં ચા રાષ્ટ્રીય પીણું છે, પણ લોકોની આર્થિક મુસીબતોમાં વધારો થયા ચાના પડતર ખર્ચમાં થયેલો વધારો ભરપાઈ કરવો મુશ્કેલ છે, કેમ કે જો કિંમતો વધશે તો માગમાં ઘટાડો થવાની શક્યતા છે.