કલમ 370 દૂર થશે, તો ભારત સાથેનો નાતો પણ ખતમ: મહેબૂબા મુફ્તી

શ્રીનગર- જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ આજે કલમ 370ને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કલમ 370ની જોગવાઈઓને ખતમ કરવાને લઈને કેન્દ્ર સરકાર નિશાન તાક્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર કલમ 370ને ખત્મ કરી દેશે તો જમ્મુ-કશ્મીર અને ભારત વચ્ચેનો સંબંધ પણ ખત્મ થઈ જશે.મુફ્તીએ શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધન કરતા કહ્યું કે, જમ્મુ-કશ્મીર માટે કલમ 370 એક પુલની જેમ છે, જો તમે તે પુલને જ તોડી નાખશો તો પછી તમારે જમ્મુ-કશ્મીર અને હિંદૂસ્તાનનો સંબંધ ફરીથી બનાવવો પડશે.

મહેબૂબાએ તેમના ભાષણમાં વધુ કહ્યું કે, અમે તમારી સાથે જે શરતો પર આવ્યાં હતાં જો તે શરતો જ ખત્મ થઈ જશે તો અમારે આ મામલે પૂન: વિચાર કરવો પડશે. અરૂણ જેટલીએ આ અંગે વિચારવું જોઈએ, કારણ કે, જો 370ને ખત્મ કરશો તો જમ્મુ-કશ્મીર સાથે તમારો સંબંધ પણ ખત્મ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીનું આ પ્રકારનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે અરૂણ જેટલીએ એક બ્લોગ લખીને જણાવ્યું હતું કે, પૂર્વ પીએમ જવાહર લાલ નહેરુનું વલણ સ્પષ્ટ ન હતું જેથી જમ્મુ કશ્મીરની સમસ્યા વધુ વિકટ બની છે. કોંગ્રેસે છૂપી રીતે જમ્મુ કશ્મીરમાં આર્ટિકલ 35-એ લાગુ કરી. જેના કારણે આજે જમ્મુ કશ્મીરમાં રોજગારી પેદા કરવામાં મુશ્કેલી ઉદભવી છે. નહેરુની નીતિના પરિણામે જમ્મુ કશ્મીરની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે.