જેટ એરવેઝના 1000 પાયલટોએ કહ્યું સેલેરી નહીં તો ઉડાન નહીં, સોમવારથી અસર

નવી દિલ્હીઃ દેવાના બોજ તળે દબાયેલી પ્રાઈવેટ વિમાન કંપની જેટ એરવેઝને તેના પાયલટો 1 એપ્રિલના રોજ મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે. શુક્રવાર સુધી બેંકોએ કંપનીમાં રકમ જમા નથી કરી, ત્યારબાદ પાયલટોના સંગઠને કહ્યું કે કંપનીના 1,000થી વધારે પાયલટ પહેલી એપ્રિલથી વિમાન ન ઉડાવવાના પોતાના જૂના નિર્ણય પર કાયમ છે.

નેશનલ એવિએટર્સ ગિલ્ડે ગત સપ્તાહે કહ્યું હતું કે જો કંપનીના પાયલટોને બાકી પગારની ચૂકવણી ન કરવામાં આવી તો અને 31 માર્ચ સુધીમાં પુનરુદ્ધાર યોજના સ્પષ્ટ ન થઈ, તો પાયલટ પહેલી એપ્રિલથી વિમાન નહીં ઉડાવે. એનએજીનો દાવો છે કે તે જેટ એરવેઝના 1000થી વધારે પાયલટોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે આ વચ્ચે જેટના 200થી વધારે પાયલટોએ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીને પત્ર લખીને બાકી વેતનને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાકી રકમને લઈને જેટના પાયલટ હવે કાયદાકીય પગલાં ભરવા મામલે વિચાર કરી રહ્યાં છે.

આ પહેલાં નરેશ ગોયલે જેટ એરવેઝના બોર્ડ અને ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરંતુ વિમાન કંપનીની રાહ માત્ર તેમનાં રાજીનામાથી સરળ નથી થવાની. પ્રતિદ્વંદ્વી વિમાન સેવા કંપનીઓ જેવી કે સ્પાઈસ જેટ અને ઈન્ડિગો પ્રાઈઝ વોરને ચાલુ રાખી શકે છે. ત્યારે આવનારા સમયમાં જેટમાં ઘણા મોટા સંકટો ઉભા થાય તો નવાઈ નહીં.