પુલવામા ટેરર હુમલામાં મારુતિ ઈકો કાર વપરાઈ હતી; માલિક ફરાર છે

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં 40 સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર ટેરર કાર-બોમ્બ હુમલામાં મારુતિ ઈકો કાર વપરાઈ હતી. આ કાર હુમલો કરાવનાર પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક સભ્યએ 14 ફેબ્રુઆરીના હુમલાના 10 દિવસ પહેલા ખરીદી હતી.

આ જાણકારી આ હુમલા કેસની તપાસ હાથ ધરનાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આપી છે.

NIAના અધિકારીઓએ કાર ખરીદનાર એ ત્રાસવાદીને સજ્જાદ ભટ તરીકે ઓળખી કાઢ્યો છે. એ દક્ષિણ કશ્મીરના બિજબેહારાનો રહેવાસી છે. જોકે હાલ તે ફરાર છે. એ હવે સક્રિય ત્રાસવાદી બની ગયો હોવાનું મનાય છે.

NIAના પ્રવક્તાએ આ જાણકારીને તપાસમાં મોટી સફળતા તરીકે ગણાવી છે.

સજ્જાદ ભટ

કાર બોમ્બ હુમલામાં વપરાયેલી કારને મારુતિ ઈકો તરીકે ઓળખી કાઢવામાં આવી છે અને એનો ચેસીસ નંબર છે MA3ERLF1SOO183735, એના એન્જિનનો નંબર છે G12BN164140.

આ કાર મોહમ્મદ જલીલ એહમદ હકાની નામના માણસને 2011માં વેચવામાં આવી હતી. એ માણસ અનંતનાગ શહેરના હેવન કોલોનીનો રહેવાસી છે. ત્યારબાદ એ કાર સાત વખત વેચાઈ હતી અને ચેવટે સજ્જાદ ભટને મળી હતી, જે શોપિયાંમાં સિરાજ-ઉલ-ઉલૂમનો વિદ્યાર્થી છે.

આ કાર સજ્જાદ ભટે ગઈ 4 ફેબ્રુઆરીએ ખરીદી હતી.

NIA અને પોલીસ અધિકારીઓ સજ્જાદ ભટના ઘેર પહોંચ્યા હતા, પણ એ ત્યાં હાજર નહોતો.

સજ્દાદ જૈશ-એ-મોહમ્મદમાં જોડાઈ ગયો હોવાનું મનાય છે. એની તસવીરો સોશિયલ મિડિયા પર જોવા મળી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]