યુવા મરાઠી અભિનેતાએ ઘરમાં ગળાફાંસો ખાધોઃ કારણ ડિપ્રેશન

મુંબઈઃ બોલિવુડ પછી હવે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ આપઘાતનો મામલો સામે આવ્યો છે. મરાઠી અભિનેત્રી મયૂરી દેશમુખના પતિ અભિનેતા આશુતોષ ભાકરે 29 જુલાઈના બુધવારે મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં એનાં ઘરમાં આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનમાં હતો. આ ઘટનાથી આશુતોષના કુટુંબને બહુ મોટો આઘાત લાગ્યો છે. તે 32 વર્ષનો હતો. સંપૂર્ણ મરાઠી ફિલ્મ ઉદ્યોગ એ અભિનેતાના મોત પર શોક વ્યક્ત કરી રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આશુતોષનો મૃતદેહ એના બંગલામાં લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો. આશુતોષ એક મહિના પહેલાં જ નાંદેડ આવ્યો હતો. આશુતોષના મોતથી એના ફેન્સ આઘાતમાં છે. આશુતોષે આ પગલું કેમ ભર્યું એ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું.

આશુતોષ બહુ ચર્ચિત એક્ટર હતો

આશુતોષે ફિલ્મ એન્ડ ટીવી એક્ટ્રેસ મયૂરી દેશમુખનો પતિ હતો. 21 જાન્યુઆરી, 2016એ મયૂરી અને આશુતોષનાં લગ્ન થયાં હતાં. તેમનો બંગલો નાંદેડના ગણેશનગર વિસ્તારમાં હતો. તેણે  ‘इच्यार ठरला पक्का’ નામની ફિલ્મ કરી હતી. તે સિરિયલ ‘खुलता कळी खुलेना’ ઘર-ઘરમાં જાણીતો થયો હતો. બંનેની એકટિંગને ઘણી પસંદ કરવામાં આવતી હતી. મયૂરી પણ મરાઠી ઇન્ડસ્ટ્રીની બહુ જાણીતી અભિનેત્રી છે.

બંનેના મિત્ર અને સહકકર્મચારીઓ હજી પણ આઘાતમાં

બંનેના મિત્ર અને સહકર્મચારીઓ હજી પણ આઘાતમાં છે. મયૂરી-આશુતોષના મિત્રોમાંથી એક અભિનેતા કેતકી પાલવે કહ્યું હતું કે તે કલ્પના પણ નથી કરી શકતી કે મયૂરી અને તેનો પરિવાર આશુતોષે જે આત્યંતિક પગલું ભ્યું છે એના આઘાતમાંથી કેવી રીતે બહાર આવશે. તેણે કહ્યું હતું કે તે દુઃખનો સામનો કરવામાં અસમર્થ છે અને આશુતોષે ભરેલાં અચાનક આવા પગલાને સમજવામાં અસમર્થ છે. તેણે કહ્યું હતું કે મારા માટે આ દર્દનાક ખબર છે.

આશુતોષના સુસાઇડના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે દેશ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના આઘાતથી બહાર આવી રહ્યા છે. સુશાંત સિંહે 14 જૂને મુંબઈસ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંત 34 વર્ષનો હતો.   

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]