મુંબઈમાં અનિલ અંબાણીના મુખ્યાલય પર યસ બેન્કે કબજો લીધો

મુંબઈ: ખાનગી ક્ષેત્રની યસ બેંક લિમિટેડે મુંબઈમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(ADAG)ની મુખ્ય કચેરી, રિલાયન્સ સેન્ટરનો કબ્જો લઈ લીધો છે. બુધવારે બેંકે એક અખબારમાં આપેલી જાહેરાત અનુસાર યસ બેન્કે મુંબઈના સાંતાક્રુઝમાં ADAGની 21,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ધરાવતી મુખ્ય કચેરી તેમજ દક્ષિણ મુંબઈમાં ‘નાગિન મહેલ’માં બે માળની ઈમારતનો કબ્જો લઈ લીધો છે, જે તેનું તત્કાલિન મુખ્યાલય હતું.

સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ (SARFESI) અંતર્ગત 22 જુલાઈના આ કબ્જો લેવાયો હતો. બેંકે આ પગલું ત્યારે ભર્યું જ્યારે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે બેંક પાસેથી લીધેલા રૂ. 2,892 કરોડના બાકી નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયું. ચાલુ વર્ષના માર્ચમાં અનિલ અંબાણીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું હતું કે યસ બેંક માટે એડીએજીનું જોખમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કાયદા તેમજ નાણાકીય નિયમોનું પાલન થઈ રહ્યું છે. અનિલ અંબાણી ગ્રુપ પાસે યસ બેંકનું કુલ રૂ. 12,000 કરોડનું લેણું બાકી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપનો યસ બેંકના રાણા કપૂર, તેમના પત્ની અથવા તેમની પુત્રીઓ સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક નથી અને તેમના દ્વારા સંચાલિત કોઈ પણ સંસ્થાના સંપર્કમાં પણ તેઓ નથી.

મહત્વનું છે કે, મે મહિનામાં ઈડીએ રાણા કપૂર, તેમની પુત્રીઓ રોશની કપૂર, રાધા કપૂર અને રાખી કપૂર વિરુદ્ધ યસ બેંક ફ્રોડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત ચાર્જશીટમાં મોર્ગન ક્રેડિટ્સ, યસ કેપિટલના નામ પણ સામેલ છે. હાલમાં પ્રશાંત કુમાર યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. 2008માં અનિલ અંબણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં છઠ્ઠા ક્રમે હતા પરંતુ ટેલિકોમ, પાવર અને એન્ટરટેઈન્મેન્ટ ક્ષેત્રમાં નુકસાનને પગલે તેમના પર બોજો વધતો ગયો હતો.