નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પૂર્વ ભાગમાં આવેલા ગલવાન ખીણવિસ્તારમાં LAC પર તાજેતરમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે સરહદીય તંગદિલી ચાલુ છે. આ મામલે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકારને અપીલ કરી છે કે તે ચીનને જોરદાર રીતે જવાબ આપે. લદાખ સીમા વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાંજલિ આપતા મનમોહન સિંહે કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ જવું ન જોઇએ. સરકારે ચીનની ધમકીઓ અને નિવેદનોથી નબળા પડવું ન જોઇએ. આ જ સમય છે કે સમગ્ર રાષ્ટ્રએ સંગઠિત થઇને ચીનના દુઃસાહસનો જવાબ આપવો જોઇએ.મનમોહન સિંહે ચીન સાથેની લશ્કરી તંગદિલી વિશે એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે અમે સરકારને ચેતવવા માંગીએ છીએ કે ભ્રામક પ્રચાર ક્યારેય પણ કૂટનીતિ અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ બની ન શકે. આજે આપણે ઇતિહાસના નાજુક વળાંક પર છીએ. આપણી સરકારના નિર્ણય અને પગલાં એ નક્કી કરશે કે ભવિષ્યની પેઢીએ આપણા વિષે શું વિચારવું. આપણી લોકશાહીમાં કર્તવ્યનું ગહન દાયિત્વ વડાપ્રધાન પાસે હોય છે.
મનમોહન સિંહે કહ્યું કે ચીને ગયા એપ્રિલથી લઇને આજ દિવસ સુધી ગલવાન ખીણપ્રદેશ અને પૌંગૉન્ગ ત્સો લેકમાં અનેક વાર ધૂસરણખોરી કરી છે. ભારતના ક્ષેત્રો ઉપર તે ખોટી રીતે પોતાનો દાવો રજૂ કરે છે. તેવામાં વડાપ્રધાને પોતાના શબ્દો અને નિવેદનો દ્વારા દેશની સુરક્ષા, ભૂભાગીય હિતો પર પડતા પ્રભાવને લઇને ખૂબ જ સાવધ રહેવું જોઇએ.
મનમોહન સિંહે કહ્યું આપણે ન તો ચીનની ધમકી કે દબાણ સામે નમી જઈશું, કે ન તો આપણી ભૂગોલીય અખંડતા પર કોઇ સમજૂતીનો સ્વીકાર કરીશું. કાવતરાખોરોને બહુ બળ આપવાનું જરૂર નથી. વડાપ્રધાને તે સુનિશ્ચિત કરવું જોઇએ કે સરકારના તમામ વિભાગો આ જોખમનો સામનો કરવા માટે સંગઠિત રહે. પરિસ્થિતિને વધુ ગંભીર થતી રોકવા પરસ્પર સહમતિથી કામ લેવું જોઇએ.